યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા યોજાયો પુસ્તક મેળો
Live TV
-
સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી બને તેવા પુસ્તકોની ઉપયોગિતા વધી રહી છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે કે આજે જ્ઞાન જ સર્વોપરી છે. રાજ્ય-રાષ્ટ્રના વિકાસ માટે જ્ઞાનની અનિવાર્યતા પણ એટલી જ જરૂરી છે. શિક્ષણના વ્યાપની સાથે દેશની યુવા પેઢી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ઉતીર્ણ થવા તત્પર બની છે, ત્યારે આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી બને તેવા પુસ્તકોની ઉપયોગિતા વધી રહી છે, આવા પુસ્તકો સમયની માંગ છે એમ તેમણે ઉમેર્યું હતું. આજે વિશ્વ પુસ્તક દિન નિમિત્તે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા અમદાવાદ સ્થિત બોર્ડની કચેરી ખાતે યોજાયેલા પુસ્તક મેળાને મંત્રીશ્રીએ ખુલ્લો મુક્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પુસ્તક મેળો ૩૦મી એપ્રિલ સુધી ચાલનાર છે અને મેળા દરમિયાન તમામ પુસ્તકો પર ૪૦ ટકા ડીસ્કાઉન્ટ અપાશે. આ મેળાના ખુલ્લો મુકતાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનો આઇ.એએસ.-આઇ.પી.એસ. જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લઇ ઉતીર્ણ થઇ શકે તે દિશામાં યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ સક્રિય પ્રયાસો કરે છે. આ માટે સંદર્ભ પુસ્તકોની ઉપલબ્ધિ થાય તે જરૂરી છે. આ માટે બોર્ડની પ્રવૃત્તિ ઉપકારક છે. ભવિષ્યનું નિર્માણ યુવાનોના હાથમાં છે ત્યારે સમર્થ યુવાનો તૈયાર કરવા જ્ઞાનની અનિવાર્યતા છે અને આ જ્ઞાનપિપાસા સંતોષવા પુસ્તકો જેવું અન્ય કોઇ માધ્યમ નથી એમ તેમણે ઉમેર્યું હતું. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પુસ્તકોનું વેચાણ વધ્યું છે તેને આવકારતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઉત્તમ પ્રકારના પુસ્તકો વેચાય છે તે આવકાર્ય જ છે પરંતુ વેચાણમાં વધારો જ પુરવાર કરે છે કે પુસ્તકો પ્રત્યે વિદ્યાર્થીઓ-વાચકોનો લગાવ વધ્યો છે. સાથે સાથે ગુજરાતી ભાષા ફરજીયાત કરી હોવાની જાણકારી પણ મંત્રીએ આપી હતી. આ પ્રસંગે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના શ્રીમતી ભાવનાબેન દવે, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ દક્ષેષ ઠાકર, શિક્ષણવિદ્ જે.જે.રાવલ, બોર્ડના અન્ય સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.