રાજકોટઃ PDU મેડિકલ કોલેજ પાસેના સેનેટોરિયમમાં 100 બેડની કોવિડ હોસ્પિટલ બનશે
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને રાખીને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને રાખીને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજકોટમાં PDU મેડિકલ કોલેજની બાજુમાં આવેલા શ્રીમતી મનુબેન ઢેબર સેનેટોરિયમનો ઉપયોગ 100 બેડની કામચલાઉ કોવિડ હોસ્પિટલ ઊભી કરવા માટે કરાશે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં આ કામચલાઉ 100 બેડની હોસ્પિટલ કોવિડ દર્દીઓને સારવાર માટે ઉપયોગી થશે. અમેરિકન ઈન્ડીયન ફાઉન્ડેશન આ 100 બેડની કામચલાઉ હોસ્પિટલ ઊભી કરવા સહયોગ આપશે. હાઈપાવર કમિટીની આજે મળેલી બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણીએ 3670 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી આ સેનેટોરિયમની જમીન આરોગ્ય વિભાગ હસ્તક આપી ભવિષ્યમાં લાંબાગાળાના આયોજન રૂપે 400 બેડ હોસ્પિટલ કાયમી ધોરણે ઊભી કરવા નિર્ણય કર્યો છે.
આ હોસ્પિટલ ઊભી થવાથી હાલની PDU હોસ્પિટલની બેડ સુવિધાઓમાં વધારો થશે અને દર્દીઓને વધુ સારી સારવાર સુવિધા મળતી થશે. શ્રીમતી મનુબેન ઢેબર સેનેટોરિયમ હાલ જર્જરિત સ્થિતીમાં અને વપરાશ વિના બિનઉપયોગી હાલતમાં હોવાથી તેનો જનઆરોગ્ય સુવિધા વૃદ્ધિ માટે ઉપયોગ થાય તેવા સંવેદનાત્મક અભિગમથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
