રાજકોટમાં મોડી રાત્રે પોલીસ અને સ્થાનિક વચ્ચે ઘર્ષણઃ જંગલેશ્વરમાં ટોળાંએ હોબાળો કરતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા
Live TV
-
રેડ ઝૉન જંગલેશ્વરમાં મોટી સંખ્યામાં લોકો બહાર આવી ગયો અને પોલીસ પર પથ્થરમારો કર્યો
રાજકોટ શહેરના રેડ ઝોન વિસ્તારમાં જંગલેશ્વરમાં મોડી રાત્રે અચાનક 400 જેટલા લોકોનું ટોળું બહાર આવ્યું હતું અને પોલીસ પર પથ્થર મારો કરી પોલીસના વાહનોમાં પણ તોડફોડ શરૂ કરતાં અફરાતફરી મચી હતી. જંગલેશ્વરમાં ક્લસ્ટર કરાયેલ પતરાઓ ટોળાએ તોડવાનું શરૂ કરતાં પોલીસે 4 જેટલા ટીયર ગેસ છોડ્યા હતા.રાજકોટ શહેરનો રેડ ઝોન વિસ્તાર જંગલેશ્વરમાં 85% કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.લોકડાઉનમાં સમગ્ર જંગલેશ્વર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. લોકડાઉનનો ત્રીજો તબક્કો પૂર્ણ થાય તેની પૂર્વ સંધ્યાએ જંગલેશ્વરમાં રહેતા લોકોની ધીરજ ખૂટી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા અને રસ્તા ઉપર ઉતરી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.ઘટનાને પગલે ભક્તિનગર પોલીસ સ્ટેશનનો કાફલો દોડી ગયો હતો અને સમજાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ બેકાબુ બનેલા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કરતા ક્રાઈમ બ્રાન્ચ ટીમ તેમજ ડીસીપી રવિમોહન સૈની સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને મામલો થાળે પાડવા તજવીજ હાથ ધરી હતી.
