રાજયપાલ આચાર્ય દેવવ્રતએ જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાથે કરી મુલાકાત
Live TV
-
રાજયપાલ આચાર્ય દેવવ્રતએ જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. પરમજીવ રક્ષા માટે પ્રાકૃતિક ખેતી મહત્વનો સ્ત્રોત છે, તેનાથી ન માત્ર જીવરક્ષા પરંતુ જીવસંવર્ધન પણ સંભવ છે. પ્રાકૃતિક ખેતી માટે ગાય અનિવાર્ય છે એટલે પાંજરાપોળને બદલે કિસાનોના ઘરમાં જ ગાયોનું પાલન થશે. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા તેમણે જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદ લીધા હતા. જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "હું આવા રાજનેતાને પહેલીવાર મળી રહ્યો છું, જે આટલા ઉચ્ચ હોદ્દા પર રહીને પણ આદર્શ જીવનમૂલ્યોનું પાલન કરતાં કરતાં સમાજ ઉપયોગી કાર્યોમાં પ્રવૃત્ત છે. પોતાના સિદ્ધાંતો સાથે કોઈ જ બાંધછોડ નથી કરતા. હું કોઈ રાજનેતાના મુખેથી આવી વાતો પહેલીવાર સાંભળું છું."
વધુમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને જનઆંદોલનમાં બદલવા માંગે છે, જેનાથી ખેડૂતોની આવક બમણી થશે અને પર્યાવરણનું પણ રક્ષણ થશે. ગુજરાતમાં અઢી લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે એ માટે રાજ્ય સરકાર પણ સતત પ્રયત્નશીલ છે. ગુજરાતમાં પોણા બે લાખ કિસાનોને તેમની દેશી ગાયના પાલન માટે ગુજરાત સરકાર પ્રતિ માસ 900 રૂપિયાની આર્થિક સહાય આપે છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવતા કહ્યું હતું કે, રાસાયણિક ખાતરોના ઉપયોગથી જમીનમાં રહેલા એવા સૂક્ષ્મ જીવાણુઓ મરી જાય છે જે જમીનની ફળદ્રુપતા વધારવામાં ઘણા ઉપયોગી થાય છે. રાસાયણિક ખાતરના વધારે પડતા ઉપયોગથી ભૂમિનું ઓર્ગેનિક કાર્બન ઓછું થાય છે. ભારત સરકારે પ્રતિ વર્ષ રુપિયા 2.5 લાખ કરોડના રાસાયણિક ખાતરો વિદેશથી આયાત કરવા પડે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જૈન સમાજ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનો જ ઉપયોગ કરવાની પહેલ કરે તો પ્રાકૃતિક કૃષિને વિશેષ પ્રોત્સાહન મળશે.
