રાજ્યના ખનીજચોરો સામે ઉઘડશે સરકારનું ત્રીજું નેત્ર
Live TV
-
ગાંધીનગર ખાતે ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ સિસ્ટમનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
રાજ્યમાં ગેરકાયદે ખનનના પારદર્શી અને સર્વગ્રાહી સર્વેલન્સ માટેની પહેલરૂપે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ડ્રોન સર્વેલન્સ સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રાથમિક તબક્કે આ ડ્રોન સર્વેલન્સ સાબરમતી નદી સહિતની મોટી નદીઓમાં ગેરકાયદે રેતી કાઢવાની પ્રવૃતિ પર નજર રાખશે. આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકાર પારદર્શિતા અને પ્રજાકીય સંવેદના સાથે કાર્યરત છે. તેની અનુભૂતિ માટે આ ત્રીજું નેત્ર કાર્યરત કરવામાં આવ્યું છે. તેમણે આ પ્રકારની ટેક્નોલોજીનો વિવિધ વિભાગોમાં રાજ્યવ્યાપી ઉપયોગ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. મુખ્યમંત્રીએ એવું પણ સૂચન કર્યું કે આ ત્રિનેત્ર ડ્રોન ટેકનોલોજીને અન્ય વિભાગો સાથે પણ કનેક્ટ કરી શકાય. તેમણે રાજ્યના ખાણખનીજ વિભાગની જિલ્લા કચેરીઓને અને રાજ્યસ્તરે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ તેમજ વિજિલન્સ સિસ્ટમને સઘન બનાવવા હિમાયત કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપરાંત ઉદ્યોગ અગ્રસચિવ મનોજકુમાર દાસ, કમિશનર રૂપવન્ત સિંહ અને ખાણખનીજ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
