રાજ્યના 21 જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ, સૌથી વધુ વરસાદ સોનગઢમાં
Live TV
-
ભારે વરસાદના કારણે તાપીનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ડેમની સપાટી હાલ 123. 51 મીટર છે અને પાણી 3 ઈંચ ઉપરથી જઈ રહ્યું છે.
આજે સવારે સાડા આઠ વાગે પૂરાં થતા 24 કલાક દરમિયાન 21 જિલ્લાના 86 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 235 MM વરસાદ તાપીના સોનગઢ તાલુકામાં પડ્યો હતો.
તાપી જિલ્લામાં સારો એવો વરસાદ થતાં મીંઢોળા અને અંબિકા સહિતની નદીઓ બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદના કારણે તાપીનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ડેમની સપાટી હાલ 123. 51 મીટર છે અને પાણી 3 ઈંચ ઉપરથી જઈ રહ્યું છે. જેના પગલે આસપાસના ડોસવાડા કૂમકૂવા, ખરસી, ખાંજર સહિતના ગામોને એલર્ટ જાહેર કરાયા છે.
નર્મદા ડેમના ઉપરવાસમાં વરસાદના પગલે ડેમમાં ચાર હજાર 587 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ ડેમની સપાટી 108. 88 મીટરે પહોંચી છે અને મુખ્ય કેનાલમાંથી 998 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
ડાંગ જિલ્લામાં પણ મૂશળધાર વરસાદના પગલે અંબિકા, પૂર્ણ, ખાપરી અને ગિરા બંને કાંઠે વહી રહી છે. આજે પડેલાં ભારે વરસાદને કારણે ડાંગના આહવા અને વઘઈ તાલુકાના કેટલાંક ગામો ચારથી પાંચ કલાક માટે સંપર્ક વિહોણા થઈ ગયા હતા. સેલવાસ મધુબન ડેમમાં ઉપર વાસમાં પડી રહેલા વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે, જેના કારણે ડેમના સાત દરવાજા દોઢ મીટર ખોલી 1 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
અનિચ્છિનીય ઘટના ન બને તે માટે નિચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત કરાયા છે , તો સાથે ડિઝાસ્ટર વિભાગે રેસ્ક્યુ ટીમને પણ સ્ટેન્ડ બાયમાં રાખી છે. તાપી જિલ્લાના સોનગઢ પંથકમાં આજે માત્ર બે કલાકમાં આઠ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. અહીંના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં તંત્ર બચાવ કામગીરીમાં લાગેલું છે.
