રાજ્યના 53 તાલુકમાં થયો મેઘમહેર; વલસાડમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા
Live TV
-
રાજ્યમાં ચોમાસાના આગમન બાદ વરસાદ ખેંચાયો હતો, ત્યારબાદ હવે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ચોમાસું ફરી એકવાર જામ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 53 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં માધ્યથી ભારે વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતના જ નવસારીમાં ગઈકાલે મોડીરાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ ગણદેવી તાલુકામાં નોંધાયો હતો. ગણદેવીમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યા ઉપરાંત વલસાડમાં વરસેલા ધોધમાર વરસાદથી વલસાડમાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને ઘરમાં પણ પાણી ઘુસી જતા જનજીવન પર તેની અસર થઇ છે.
બીજા વિસ્તારોની વાત કરીયે તો ચીખલીમાં સાડા 3 ઈંચ, નવસારીમાં 2.5 ઈંચ, જલાલપોરમાં 2.2 ઈંચ, ખેરગામમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે ગણદેવીમાં વેગણિયા ખાડીના જળસ્તરમાં પણ વધારો થયો છે. ખાડીમાં પાણીનું જળસ્તર વધતા લો લાઈન બ્રિજનો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. લાંબા વિરામ બાદ નવસારીમાં મેઘમહેરને પગલે સ્થાનિક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જયારે સૌરાષ્ટ્રમાં મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જામનગર શહેરમાં પણ તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો.
અત્યાર સુધીમાં રાજ્યમાં ચાલુ સીઝનનો સરેરાશ 21.69 ટકા વરસાદ નોંધાયો છે.
