રાજ્યપાલએ વડાલી તાલુકાના કેશરગંજ ગામના પ્રગતિશીલ ખેડૂત હરેશ પટેલના પ્રાકૃતિક ફાર્મની લીધી મુલાકાત
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વડાલી તાલુકાના કેશરગંજ ગામના પ્રગતિશીલ ખેડૂત હરેશ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી.
રાજ્યપાલએ ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થતંત્રમાં ગૌવંશના અદ્વિતીય મહત્વને ઉજાગર કરતા તેઓ ગામના એક પશુપાલક પટેલ મોગેશ બાબુના નિવાસસ્થાને ગૌ દુગ્ધ દોહન કર્યું હતું.ખેતરની આ મુલાકાત દરમિયાન તેમણે પરંપરાગત કૃષિ પદ્ધતિ મુજબ સ્વયં હળ જોતી પ્રેરણાદાયી પરંપરાગત કૃષિ પ્રવૃત્તિઓ કરી હતી અને ધરતીપુત્રો સાથે ચર્ચા કરી પોતાના બહુમૂલ્ય કૃષિ વિષયક અનુભવો વહેંચ્યા હતા.
રાજ્યપાલએ ખેડૂતોને જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો લોકોને તંદુરસ્ત જીવન આપવાનું કામ કરી રહ્યા છે. આપણા દેશમાં કેન્સર અને અન્ય બીજી અનેક બીમારીઓ દિવસેને દિવસે વધી રહી છે. રાજ્યપાલએ આ પ્રસંગે રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને ઓછામાં ઓછું ખેતરના એક ભાગથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલએ ઉપસ્થિત ખેડૂતોને જીવામૃત સહિતના બાયો ઈનપુટ્સ બનાવવાની વિધિ તથા તેના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું.
તેમણે ઉમેર્યું હતું કે, દર વર્ષે આપણે કરોડો રૂપિયા રાસાયણિક ખાતરરૂપી ઝેર ખરીદવામાં વિદેશોમાં આપીએ છીએ. પ્રાકૃતિક ખેતી કરવાથી આપણા દેશનો પૈસા બહાર જતા અટકશે. તેમણે ઉમેર્યું કે, આજના સમયમાં જ્યારે જતુંનાશક દવા અને રાસાયણિક ખાતરથી ધરતીની હાલત બગડી છે, ઉત્પાદન ઘટ્યું છે અને તેનાથી ઉત્પન્ન થતી કૃષિ પેદાશો આરોગવાથી રોગ વધ્યા છે ત્યારે પ્રાકૃતિક ખેતી ન માત્ર ધરતી પરંતુ મનુષ્યોના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ગંભીર બીમારી લાવતી રાસાયણિક ખેતીને ત્યજીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા રાજ્યપાલશ્રીએ અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતરતિલાલએ પોતાના પ્રાકૃતિક ખેતી અંગેના પ્રતિભાવ અને અનુભવ જણાવ્યા હતા. આ પ્રસંગે કલેકટર લલિત નારાયણસિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ પી પટેલ, ઇન્ચાર્જ એસપીશ્રી સ્મિત ગોહિલ,ખેતીવાડી વિભાગના અધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો, સરપંચ, પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
