રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે મહેસાણામાં સ્વ. મહાદેવભાઈ નાથુભાઈ ચૌધરી વાંચનાલયનું ઉદ્ઘાટન
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે મહેસાણામાં સ્વ. મહાદેવભાઈ નાથુભાઈ ચૌધરી વાંચનાલયનું ઉદ્ઘાટન
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહેસાણા ખાતે આંજણા યુવક મંડળ સંચાલિત સ્વ મહાદેવભાઈ નાથુભાઈ ચૌધરી વાંચનાલયનું ઉદ્દઘાટન કર્યું હતું. ઉદ્દઘાટન કરતાં તેમણે જણાવ્યું હતું કે, શિક્ષિત - સંસ્કારી સમાજ દ્વારા જ સમાજ શ્રેષ્ઠીઓનું નિર્માણ થાય છે. રાજ્યપાલે આ અવસરે ધર્મપરાયણ-સંસ્કારી ભાવિ પેઢીના નિર્માણ માટે પુસ્તકાલયો અને શિક્ષણ સંસ્થાઓના નિર્માણ માટે સમાજના આગેવાનોને આહ્વાન કર્યું હતું. રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે કન્યા કેળવણીને અતિ આવશ્યક ગણાવતા રાજ્યપાલે કહ્યું હતું કે, એક શિક્ષિત દીકરી લગ્ન પહેલાં પિતાનું અને લગ્ન બાદ પતિના કુળનું એમ બે કુળનું ગૌરવ વધારે છે. તેમણે દીકરા-દીકરીના ભેદભાવથી દૂર રહીને સ્ત્રીભ્રુણ હત્યા, દહેજ પ્રથા જેવા દુષણોથી સમાજને મુક્ત કરવા સૌને અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનાં અંધાધુંધ ઉપયોગને કારણે જમીન વેરાન બનતી જાય છે. પર્યાવરણ પ્રદુષિત બન્યું છે. પ્રદુષિત ખાદ્યાન્નના ઉપયોગને કારણે જાનલેવા બિમારી વધતી જાય છે. રાજ્યપાલે કુરૂક્ષેત્રની 200 એકર જમીનમાં થઈ રહેલી પ્રાકૃતિક કૃષિ અને તેના ઉત્પાદનનું ઉદાહરણ આપી ઉપસ્થિત જનસમૂહને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, ખેતી બેન્કના પૂર્વ ચેરમેન કનુભાઈ પટેલ, ખેતી બેન્કના પૂર્વ ચેરમેન ધીરેનભાઇ ચૌધરી, દૂધ સાગર ડેરીના ડીરેક્ટર કનુભાઇ ચૌધરી, સાબરકાંઠા ચૌધરી સમાજના પ્રમુખ જશુભાઇ ચૌઘરી, ખેતીબેન્કના વાઇસ ચેરમેન ફલજીભાઇ ચૌધરી, દાતા હર્ષદભાઇ ચૌધરી, સહિત આંજણા યુવક મંડળના પ્રમુખ તરૂણ ચૌધરી, મહામંત્રી સંજયભાઇ ચૌધરી, કન્વીનર જશપાલ ચૌધરી, ભરત ચૌધરી, સહકન્વીનર ચંદ્રેશ ચૌધરી, અરવિંદભાઇ ચૌધરી (દેલા), સમગ્ર કારોબારી તથા આંજણા યુવક મંડળના સભ્યો, આંજણા સમાજના અગ્રણીઓ, પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
