રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ટ્રેનની મુસાફરી દરમિયાન એક હૃદયસ્પર્શી સંવાદ
Live TV
-
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમની સાદગી માટે જાણીતા છે. ભરૂચ ખાતે ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’માં સહભાગી થયા બાદ, રાજ્યપાલ મહોદય જ્યારે ટ્રેન દ્વારા અમદાવાદ પરત ફરી રહ્યા હતા, ત્યારે ટ્રેનની મુસાફરી દરમિયાન એક એવી હૃદયસ્પર્શી ઘટના બની જે દેશભક્તિ અને આદર્શ જીવનનો સંદેશ આપી ગઈ.
સફર દરમિયાન એક નાનકડી બાળકી રાજ્યપાલ મહોદય પાસે આવી અને પોતાની નિર્દોષતામાં એક એવો પ્રશ્ન પૂછ્યો કે ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ ગઈ. બાળકીનો નિર્દોષ પ્રશ્ન: "મારો એક પ્રશ્ન છે. તમે આટલા ઊંચા હોદ્દા પર છો, તો પણ તમે ટ્રેનમાં કેમ મુસાફરી કરી રહ્યા છો?"આ પ્રશ્નના જવાબમાં રાજ્યપાલ મહોદયે જે સમજણ આપી તે દરેક ભારતીય માટે પ્રેરણારૂપ છે. તેમણે ખૂબ જ સ્નેહભાવે કહ્યું: "બેટા, આપણા પ્રધાનમંત્રીશ્રીએ દેશને જે આહવાન કર્યું છે, તે આપણે સૌએ સમજવું જોઈએ. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ પાસે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે વિદેશથી આવતા ઈંધણનો પુરવઠો ખોરવાયો છે. જો આપણે વધુ પડતો ઈંધણનો વપરાશ કરીશું, તો આપણું કિંમતી વિદેશી હુંડિયામણ વિદેશમાં જતું રહેશે. જ્યારે દેશ આર્થિક પડકારનો સામનો કરી રહ્યો હોય, ત્યારે એક નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ. દેશના પૈસા બચે અને તે દેશના વિકાસમાં કામ આવે તે માટે જ મેં રાજ્યમાં હવાઈ મુસાફરી બંધ કરી છે અને હું ટ્રેન, બસ તથા સાયકલનો ઉપયોગ કરું છું. જનતાના સહયોગ વિના દેશ મજબૂત ન બની શકે, એટલે જ હું આ સાદગીપૂર્ણ માર્ગે ચાલી રહ્યો છું."રાજ્યપાલ મહોદયના આ શબ્દોમાં માત્ર જવાબ નહોતો, પરંતુ એક ઉચ્ચ આદર્શની ઝલક હતી. એક નાનકડી બાળકીના સવાલના માધ્યમથી રાજ્યપાલશ્રીએ દેશની એકતા અને આર્થિક સુદ્રઢતાનો જે સંદેશ આપ્યો, તેણે તમામ સહ-યાત્રીઓના હૃદયને સ્પર્શી લીધું હતું.
