રાજ્યમાં ચોમાસુ સક્રિય, અનેક શહેરોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
Live TV
-
અસહ્ય ઉકળાટ બાદ અનેક શહેરો પર મેઘરાજાએ વરસાવ્યું હેત, ઠેર ઠેર વરસાદ
રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું સક્રીય થઈ ગયું છે. રાજ્યભરમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. છેલ્લાં 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો અમરેલીના બગસરામાં 70 મીમી વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ભાવનગરમાં 60 મીમી, રાજકોટના ગોંડલમાં 51 મીમી, જૂનાગઢમાં 40મીમી, દાહોદ અને સુરતમાં 39 મીમી, વડોદરાના ડભોઈમાં 30મીમી, જામનગરના કાલાવડમાં 27 મીમી, ડાંગના આહવામાં 53 મીમી, વઘઈમાં 80મીમી મળીને સરેરાશ ડાંગ જિલ્લામાં 71.12 મીમી વરસાદ નોંધાયો છે. તો સુરેન્દ્રનગરના ચોટીલામાં 21 મીમી, સુરતમાં 19 મીમી, ખેડામાં 17 મીમી, કચ્છના ભચાઉમાં 16 મીમી અને ભાવનગરના ગારિયાધારમાં 17 મીમી વરસાદ નોંધાયો છે. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાજકોટની વાત કરીએ તો ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ બાદ રાજકોટમાં સાંજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ તરફ ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જિલ્લાના પાલિતાણા, દુધાળા, ઘેટી, દેદરળા, નાનીમાળા, ચોંડા, પાંચપીપલા, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરતાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ભારે વરસાદ થાય તેવી કોઈ શક્યતા નથી.
