રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 21 જિલ્લાના 128 તાલુકામાં ભારેથી મધ્યમ વરસાદ નોંધાયો
Live TV
-
વલસાડ ઉમરગામમાં સવારથી 221 મીલીમીટર વરસાદ ખાબકી ચુક્યો છે. તો નવસારી અને દમણ, પણ જળબંબાકાર થયા છે. તાપી,ડાંગ,ખેડામાં નોંધપાત્ર વરસાદ થયો હતો. તો અમદાવાદ, ગાંધીનગરમાં ગોરંભાયેલા આકાશ પર ચાતક નજરે નગરજનો મીંટ માડીને રાહ જોઈ રહ્યા છે.
રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 21 જિલ્લાના 128 તાલુકામાં ભારેથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 221 મિલીમીટર, વલસાડમાં 208, ધરમપુર 195, વાપી 193, જ્યારે નવસારી ખેરગામમાં 145 મિલીમીટર, ખેડાના મહેમદાવાદ 115 મિલીમીટર, ભરૂચ વાગરામાં 103 મિલીમીટર જ્યારે સુરતના મહુવામાં 102 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત આણંદ, ખેડા, ડાંગ, તાપી, નર્મદા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ જિલ્લાઓમાં પણ નોંધપાત્ર વરસાદ થયો હતો. મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી દાદરા અને નગર હવેલી જીલ્લા આફત વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા લોકોને નદીના પટમાં જવાનું ટાળવા ચેતવણી અપાઈ છે. મધુબનડેમ ની જળસપાટી 72.35 મીટરે પહોંચી છે. ડેમના 10 દરવાજા પૈકી 7 દરવાજા 1.80 મીટર ખોલી દેવાયા છે. જેમાથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં હાઇડ્રો પાવર પ્લાન્ટ દ્વારા વીજ ઉત્પાદન શરૂ થયું છે.
રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય થી ભારે વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે વલસાડમાં 8 ઇંચથી વઘુ વરસાદ નોંધાતા જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. સાવચેતીના પગલે કાંઠાના ગામના લોકોને સુરક્ષિત સ્થાને જવાની સૂચના આપી દેવામાં આવી છે. ઉમરગામ તાલુકામાં ભારે વરસાદને કારણે રોડ પર પાણી આવી જતા 3 મોટર સાયકલો તણાઇ હતી. ઉપરાંત ચાર વાહનો પાણીમાં ફસાતા પણ ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને તમામ વાહનો બચાવી લીધા હતા. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં વરસતા વરસાદમાં ઉમરગામમાં 4 ઇંચ, પારડીમાં 5.72 ઇંચ, ધરમપુરમાં 8 ઇંચ, વાપીમાં 8 ઇંચ, કપરાડામાં 8.6 ઇંચ અને વલસાડમાં 8.36 ઇંચ વરસાદ નોંધાયો છે.
કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાડમાં છેલ્લાં 30 કલાકમાં 16 ઇંચ વરસાદ નોંધાયો છે. સતત વરસાદના કારણે મધુબનડેમના કેચમેન્ટ એરિયામાં પાણી સારી આવક થતા ડેમમાં 2 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. સારી આવકના પગલે ડેમના 7 દરવાજા ખોલી દેવામાં આવ્યાં છે. આ સાથે ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી દમણગંગામાં છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવામાં આવતા દમણગંગામાં પાણીની સપાટી વધતા સેલવાસ ભિલાડ નેશનલ હાઈવેને જોડતા જુના પુલને બંધ કરી ટ્રાફિકને વનવે કરવામાં આવ્યો છે. આ સાથે વહીવટીતંત્ર દ્વારા દમણગંગાના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને પરિસ્થિતિ વણસતા સ્થળાંતર કરવાની તૈયારીઓ પણ કરી રાખી છે.
