રાજ્યમાં બર્ડફ્લૂની આશંકાને પગલે એલર્ટ, મરઘા ઉછેર કેન્દ્રો પર નજર
Live TV
-
તંત્ર દ્વારા મરઘા વેચાણ કેન્દ્રોની મુલાકાત લઈને આ રોગ સામે રક્ષણ મેળવવા અપાઈ અગત્યની સૂચનાઓ
ગુજરાતમાં બર્ડ ફલૂની દહેશતના પગલે નર્મદા જિલ્લા તંત્ર પણ સાવધ બન્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત 6 તારીખે જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતેથી 6 કાગડાના મૃતદેહ મળી આવ્યા હતા. જે બાદ કારણેજ જિલ્લા પંચાયત નર્મદાના નાયબ પશુ નિયામકની ટીમ દ્વારા બર્ડ ફ્લૂના ખતરાનો પગલે રાજપીપલા અને નર્મદા જિલ્લામાં આવેલ પોલ્ટ્રી ફાર્મ અને મરઘાં વેચાણ કેન્દ્રોની મુલાકાત લઇ આ રોગ સામે રક્ષણ મેળવવા જરૂરી સલાહ સૂચન આપવામાં આવ્યા હતા.
જો કે જિલ્લામાંથી મળેલ 6 કાગડાના મૃતદેને પોસ્ટમોર્ટમ કરી તેના સેમ્પલ ભોપાલ મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, પરંતુ પક્ષીઓમાં મળતા આ રોગને કારણે માનવ જીવનને કોઈ ખતરો ના થાય તે માટે તંત્ર સાવધ બન્યું છે અને જિલ્લાના તિલકવાડા, ડેડીયાપાડા અને રાજપીપલાના પોલ્ટ્રી ફાર્મની મુલાકાત કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, કેરળ, ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં મોટી સંખ્યામાં પક્ષીઓના મોત થયા બાદ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આ અંગે સતર્ક રહી તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે.
દેશમાં કોરોના બાદ હવે બર્ડ ફ્લુની દહેશત વધી રહી છે. જેમાં રાજસ્થાન બાદ ગુજરાતના જુનાગઢમાં બર્ડ ફ્લુનો કેસ જોવા મળતા ભાવનગર જીલ્લા પશુપાલન વિભાગ પણ એલર્ટ થઇ ગયું છે. ભાવનગર જિલ્લાનાં 11 તાલુકામાં પશુપાલન વિભાગની જિલ્લા પંચાયતની 13 ટિમો બર્ડ ફ્લુની દહેશતને પગલે કામે લાગી છે.
જિલ્લામાં 65 જેટલા મરઘા ઉછેર કેન્દ્ર આવેલા છે. જેમાં આશરે 6.50 લાખથી વધુ મરઘાં નોંધાયેલા છે. રાજ્યમાં બર્ડ ફ્લુનો ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે પશુપાલન વિભાગ સતર્ક બનીને તપાસમાં જોડાયું છે. જેમાં ખાસ પશુપાલન વિભાગની ટીમ મહુવા મરઘા ઉછેર કેન્દ્રમાં જઇ સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યાં છે.
હાલ 65 મરઘા ઉછેર કેન્દ્રોમાંથી ૩૦ કેન્દ્રોમાં મરઘાઓની તપાસ કરી લેવામાં આવી છે, બાકીના કેન્દ્રોમાં તપાસો ચાલુ છે. તેમજ મરઘા ઉછેર કેન્દ્રના માલિકોને સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી છે.
ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ પ્રજાના આરોગ્ય હેતુ સાવચેતીના પગલાંના ભાગરૂપે અપીલ કરી છે. જેના લક્ષણોમાં તાવ આવવો, શરીર દુઃખવું, કળતર, શરદી ઉધરસ જેવા લક્ષણો હોય છે, જે જણાય તો નજીકના હોસ્પિટલમાં સંપર્ક કરવા વિનંતી કરી છે.
