રાજ્યમાં રવિવારે મેઘરાજા મનમૂકીને વરસ્યાઃ 197 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો
Live TV
-
સૌથી વધુ જામનગર જિલ્લામાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છોટાઉદેપુરમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે.
રાજ્યમાં રવિવારે મેઘરાજા મનમૂકીને વરસ્યા હતાં ત્યારે રાજ્યના 197 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાંથી સૌથી વધુ જામનગર જિલ્લામાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છોટાઉદેપુરમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. ક્વાંટમાં સાડા 6 ઈંચ, કાલાવડમાં 6 ઈંચ, માણાવદર અને પ્રાંતિજમાં 5-5 ઈંચ વરસાદના નોંધાયો છે. જ્યારે જુનાગઢ, રાજકોટ, વલભીપુર, બોડેલી, બોટાદ, કપરાડા અને કરજણમાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદના પગલે જામનગર જિલ્લાના સોરઠી, ફુલઝર અને વોડીસાંગ ડેમ ઓવરફ્લો થયાં છે, જ્યારે બોટાદના બરવાડામાં આવેલો ખાભડા ડેમ પણ છલકાયો છે.. જેને પગલે બેલા, ટિબલા, કુંડળ સહિતના ગામોને એલર્ટ કરાયા છે. આ તરફ ઉપલેટા તાલુકાના ગધેથડ નજીક આવેલો વેણુ-2 ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. હાલ ડેમ 70 ટકાથી વધુ ભરાઈ જવાની સ્થિતિને પગલે ડેમના દરવાજા ગમે ત્યારે ખોલાઈ શકે છે જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગધેથળ, વરજાંગ જાળિયા, મેખાટીંબી, નિલાખા સહિતના ગામોને સાવચેત કરાયા છે તેમજ નદીના પટમાં અવર-જવર ન કરવાનું સુચના આપવામાં આવી છે.
બીજી તરફ, ખેડા જિલ્લામાં સરેરાશ 1 ઈંચ વરસાદ નોંધાયો છે. કપડવંજ પંથકમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. તો અરવલ્લી જિલ્લાના ધનસુરામાં પણ 2 ઇંચ થી વધુ વરસાદ વરસ્યો છે.
