રાજ્યમાં સતત વરસાદને લઈને સમીક્ષા, NDRFની 13 ટીમો તૈનાત
Live TV
-
રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદ સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્ય સચિવ ડોક્ટર અનિલ મુકીમ
રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને આગોતરા આયોજન માટે મુખ્ય સચિવ ડૉ. અનિલ મૂકીમે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.
જેમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહીવટી તંત્ર સુસજ્જ છે તેમ જણાવ્યું હતું.રાહત કમિશનર ડૉ. હર્ષદ પટેલે સમીક્ષા બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યનું અને સ્થાનિક વહીવટીતંત્ર સુસજ્જ છે.
આ ઉપરાંત ૧૩ NDRFની ટીમો તૈનાત કરી દેવાઈ છે. અને SDRFની ૧૧ તથા NDRFની 2 ટીમો એમ અન્ય ૧૩ ટીમો રિઝર્વ રાખવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 94.57 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં ઝોનમાં 162.61 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
આ સાથે રાજ્યના 108 જળાશયો હાઇ એલર્ટ, 14 જળાશયો એલર્ટ અને 17 જળાશયો ભયજનક સપાટી પર છે. રાજ્યની 44 નદીઓ અને 41 મોટા તળાવ ઓવરફલો થયા છે. તેમજ સારા વરસાદને પરિણામે રાજ્યભરમાં 95 ટકા જેટલું વાવેતર કરવામાં આવ્યું છે.
