રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જાણો રાજ્યના કેટલા ડેમો હાઈએલર્ટ પર
Live TV
-
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ધોરીધજા ડેમ હાઈએલર્ટ પર અને રાજકોટના આજી ડેમ 2 માંથી 100 ફૂટ પાણી છોડવામાં આવ્યુ
ગુજરાતમાં ચોમાસુ જામી રહ્યું છે. સાર્વત્રિક સામાન્યથી ભારે વરસાદ છે. ધ્રોળ-ધરમપુરને ઘમરોળતો 10 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધી 58 લાખ હૅક્ટર વિસ્તારમાં વાવેતર છે. નર્મદા ડેમમાં 9500 ક્યુસેક પાણીની આવક છે. ડાંગ, તાપી, ભાવનગર વગેરે જિલ્લામાં અનેક ગામો સંપર્કવિહોણાં છે. રાજકોટ, જામનગર, દ્વારકા જિલ્લા જળતરબોળ બન્યા છે. ધ્રોલ અને ખંભાળિયા પંથકમાં 8-10 ઈંચ વરસાદથી જળબંબાકાર છે. જામનગર અને જોડિયામાં સાત ઈંચ વરસાદ છે. તો દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ છે.
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઇ રહી છે. 33 જીલ્લાઓના 231 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં ધરમપુરમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.
સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આગામી ચાર દિવસ હજી સારો વરસાદ પડશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ડેમોમાં નવા પાણીની આવક શરૂ થઈ છે. નર્મદા ડેમમાં 9,000 ક્યૂસેક પાણીની આવક થઈ હતી. જયારે ધોરીધજા ડેમ હાઈએલર્ટ પર છે. તેમજ આજી-2 અને કાલીયા ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે ત્યારે રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને લઈને ગાંધીનગર ખાતે બેઠક મળી હતી જેમાં રાહત કમિશનર મનોજ કોઠારીએ પત્રકારો સાથેની વાતચીતમાં બેઠક અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, દાહોદ, અરવલ્લી, બનાસકાંઠા, ગીર સોમનાથ, અને રાજકોટ ખાતે NDRF ની ટીમ તૈનાત કરવામાં આવી છે.
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજકોટના આજી ડેમ 2 માંથી 100 ફૂટ પાણી છોડવામાં આવ્યુ હતું. ડેમમાં 9 ફૂટ કરતા વધુ પાણીની આવક થતા સિંચાઈ વિભાગે દરવાજો ખોલવાનો નિર્ણય લીધો હતો.આજી ડેમ 2નું પાણી સિંચાઈ માટે ઉપયોગમાં લેવામા આવતુ હોવાથી પાણીની વધુ આવક થતા ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ વિશે હવામાન વિભાગના ડાયરેકટર જયંતા સરકારે વધુ માહિતી આપી હતી.
દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે ત્યારે સરકાર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ હતી. પરંતુ કલેકટરના જાહેરનામાની અવગણના કરીને ભાટ ગામના 5 જેટલા યુવાનો માછીમારી કરવા,દરિયો ખેડવા ગયા હતા. જ્યાં 3 યુવાનો દરિયામાંથી હેમખેમ પરત આવ્યા છે તો બે યુવાનો લાપતા થયા છે જેમનો શોધખોળ માટે જિલ્લા તંત્ર દ્વારા કવાયત હાથ ધરી હતી. નવસારી જિલ્લા તંત્ર દ્વારા કોસ્ટ ગાર્ડ ની મદદ લઇ સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું પરેતું મોડીરાત સુધી કોઇ ભાળ મળી નથી. ગુમ થયેલા યુવાનો ના કારણે તેમના પરિવારજનો અને ગામના લોકો ચિંતાતુર બન્યા છે.
અમરેલીમાં ગઇકાલ સાંજથી આજ સુધી જાણે આકાશ નિતરતું હોય તેમ ઠેર ઠેર ધીમીધારે પડી રહ્યો છે વરસાદ. મોલાતને ખૂબ જ ફાયદો. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના 11 માંથી 9 તાલુકામાં અડધાથી લઇ દોઢ ઇંચ વરસાદ
તાપી જિલ્લામાં પણ મન મૂકીને વરસ્યા મેઘરાજા. જિલ્લાના ડોલવણ તાલુકામાં પણ મેઘાનું જોર, જેને પગલે નદી નાળામાં નોંધાઈ પાણીની આવક. ડોલવણ તાલુકાના કણધાથી અંધારવાડીને જોડતા માર્ગ પર પાણી ફરી વળતાં કણધા, કરંજખેડ,પીપલવાળા,તાકીઅંબા,પીઠાદારા, બેસનીયા જેવાં ગામો સંપર્ક વિહોણાં..વિદ્યાર્થીઓ સહિત લોકોને ભારે હાલાકી.
ભાવનગરના વલ્લભીપુર અને ઉમરાળામાં ભારે વરસાદના પગલે ઘેલો અને કાળુભાર નદીમાં પૂર. ભાલ પંથકનાં ગામડાઓ ફરતે ભરાયાં પાણી, ભાલના પાળીયાદ-દેવળીયા જવા માટેનો એક રસ્તો બંધ. જો કે તંત્ર સાબદું. મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને નેશનલ હાઇવેની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી.
ડાંગ જિલ્લામાં ભારતીય હવામાન વિભાગ તરફથી ભારેથી અતિભારે વરસાદની ચેતવણીને પગલે રોજ ડાંગ કલેકટર એન.કે.ડામોરના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે યોજાઈ.