રાજ્યમાં હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહી, 31 જિલ્લાઓમાં નોંધાયો વરસાદ
Live TV
-
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી - આગામી ચાર દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદી માહોલ છે. ત્યારે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યનાં અનેક વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો છે. નવસારીમાં બપોર સુધીમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તો સુરત અને વલસાડમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં એકથી પોણા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
તાપી, અમરેલી, જામનગર, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં અડધાથી એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો રાજ્યમાં હજી પણ વરસાદી માહોલ યથાવત રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જોકે 3 દિવસ બાદ વરસાદમાં ઘટાડો જોવા મળશે.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. નવસારી અને જલાલપોર તાલુકામાં આજે સવારે ધોધમાર વરસાદ શરૂ થયો છે.
નવસારી -જલાલપોર તાલુકામાં સવારે એક ઈંચથી વધુ વરસાદ ઝીકાયો છે. નવસારી જીલ્લાના ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યાં છે. નવસારી-વિજલપોર શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતાં મુખ્ય માર્ગો તથા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. નવસારી શહેરનાં મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા જનજીવન પર માઠી અસરજોવા મળી છે.
