રાજ્યમા ફરીથી મેઘરાજાની તોફાની બેટિંગ, અબડાસામાં 5 ઈંચ વરસાદ
Live TV
-
આજે સૌથી વધુ કચ્છના અબડાસામાં 5 ઈંચ જ્યારે દ્વારકાના ખંભાળીયામાં 3 ઈંચ વરસાદ. દ્વારકામાં મેઘમહેરથી ઠેર ઠેર ભરાયા પાણી
છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યના 32 જિલ્લાના 144 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. કચ્છના અબડાસામાં સૌથી વધુ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે દેવભૂમી દ્વારકાના ખંભાળીયા ખાતે 3 ઇંચ વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતી થઇ છે. તો નવસારીમાં પણ મેઘમહેર યથાવત રહી છે.
વલસાડ જિલ્લાના ઉમરગામમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. તો વહેલી સવારથી દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર પંથકમાં પણ વરસાદ પડી રહ્યો છે. જ્યારે મોરબીમાં ગઈકાલ સાંજથી સતત વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. તો બીજી તરફ મધ્યપ્રદેશમાં પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
નર્મદા નદીમાં છોડાયું પાણી
બીજી તરફ રિવર બેડ પાવરના પાંચ યુનિટ શરુ થતા નિયમિત રીતે 35 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યુ છે અને અત્યાર સુધી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા અને વડોદરા જીલ્લાના નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. તો ભરુચમાં નર્મદાની જળ સપાટી હાલ સામાન્ય છે. જો કે હજી પાણીનું સ્તર વધવાની શક્યતાને પગલે અંક્લેશ્વર, ઝઘડીયા અને ભરુચ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોને સાવધ કરાયા છે. નર્મદાની ભયજનક સપાટી 22 ફુટ છે. અને હાલની સપાટી નવ ફુટ પર છે.શેત્રુંજી ડેમ 5 વર્ષ બાદ ઑવરફ્લો
સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ પાંચ વર્ષ બાદ ઓવરફ્લો થયો છે. વર્ષ 2015 બાદ આ વર્ષે ડેમ ફરી 34 ફૂટની સપાટી વટાવી ઓવરફલો થયો છે. આ ડેમ ઓવરફલો થતા ગોહિલવાડને 1 વર્ષ માટે પાણીની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે. હાલ ડેમના 12 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. 25 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા આ ડેમમાં 10 હજાર 800 મિલિયન ઘન ફૂટ પાણીનો સંગ્રહ થાય છે. અમરેલી જિલ્લામાં પડેલા સારા વરસાદને કારણે ડેમમાં પાણીની સારી આવક થાય છે. અમરેલી જિલ્લામાં જો હજુ સારો વરસાદ થશે તો ડેમના વધુ દરવાજા પણ ખોલાશે. જેથી તંત્રએ નીચાણવાળા વિસ્તારોને વધુ સાવધ રહેવા અપીલ કરી છે.
