રાજ્ય સરકારે ખેડૂતો માટે રુપિયા 225 કરોડનું સહાય પેકેજ કર્યુ જાહેર
Live TV
-
રાજ્ય સરકારે ખેડૂતો માટે રુપિયા 225 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. રાજય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું કે ખેડૂતોની માંગણી અનુસાર હાલમાં 7.5 હોર્સપાવરના કનેકશનના વર્તમાન ફીક્સ મીટર ચાર્જમાં 50 ટકાનો ઘટાડો કરીને 10 રુપિયા ચાર્જ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજય સરકારના આ નિર્ણયથી દર મહિને 15 લાખ ખેડૂત પરિવારોને સીધો લાભ થશે. વધુમાં જીતુ વાઘાણીએ કહ્યું કે, ખેડૂતોની અન્ય માંગણીઓ જેવી કે, દર બે મહિને બિલિંગ સહિતની માગનો ખેડૂતોને લાભ મળશે.
આ ઉપરાંત વીજ મીટર બળી જવાના કિસ્સામાં વીજકંપનીની જવાબદારી નક્કી કરાઈ છે. ચાલુ કનેક્શનની સિક્યુરિટી ડિપોઝીટમાં રુપિયા 300ના નજીવા ચાર્જ સાથે ટ્રાન્સફર કરી શકાશે. આ ઉપરાંત 100 કિલોવોટથી વધુ લૉડ ધરાવતા ખેડૂતોને ખેતીવાડીના ભાવે ૨૦૦ કેવીનું ટીસી આપાશે. ઉલ્લેખનીય છે કે ડાર્ક ઝોનમાં આવતા 36 તાલુકાઓમાં ડ્રીપ ઇરિગેશન માટે ખેડૂતોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે લાભ આપાશે, જે અન્વયે 85 ટકા જેટલો GST સરકાર ભોગવશે. તબેલાના કનેક્શનમાં કોમર્શિયલ ભાવ ન ગણતા રાહત દરે વીજળી આપવા તથા ટ્રેક્ટર-ટ્રોલી જેવા કૃષિ સાધનો પરના ટેક્સમાં સુધારા અંગેનો પ્રશ્ન કમિટિ સમક્ષ મૂકાશે.
