રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે ગાંધીનગરમાં 1330 કરોડથી વધુના વિવિધ કામોના શિલાન્યાસ -લોકાર્પણ
Live TV
-
રાષ્ટ્રપતિ તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન ગાંધી આશ્રમના સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે, સાબરમતી આશ્રમમાં થોડો સમય વીતાવવાનો મોકો મળ્યો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન અને આદર્શો માનવતા માટે આજે પણ એટલા જ પ્રાસંગિક છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના વિકાસ સાથે સંકળાયેલી સ્વાસ્થ્ય અને તબીબી શિક્ષણ, પાણી પુરવઠા, રસ્તા, સિંચાઈ તથા બંદર વિકાસ જેવી વિવિધ પરિયોજનાઓના અમલીકરણથી ખેડૂતો અને નાના-મોટા વ્યાપારીઓને રોજગારી સહિતની બહુવિધ તકો ઉપલબ્ધ થશે. શ્રીમતિ મુર્મુએ કહ્યું હતું કે, ગાંધીનગરમાં નિર્માણાધીન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ 85 ટકા આદિજાતિ વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રૂ. 530કરોડના ખર્ચે 540 બેડની નિર્માણ પામનાર જી.ઈ.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ તથા હોસ્પિટલ શરૂ થવાથી સ્થાનિક નાગરિકોને આરોગ્ય સુવિધાઓનો તથા વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણનો મહત્તમ લાભ મળશે. તેમણે કહ્યું હતું કે, સ્વાસ્થ્ય ક્ષેત્રે ગુજરાતે ખૂબ મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ગર્ભવતી મહિલાઓની વિશેષ કાળજી માટે સ્વાસ્થ્ય કાર્ડ આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. ગુજરાતમાં કોવિડ વેક્સિનના 12 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત, ગુજરાતના જામનગરમાં વિશ્વનું પ્રથમ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન આકાર લઈ રહ્યું છે, જે વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા અને દવાઓ માટે માર્ગદર્શન આપશે.
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, નીતિ આયોગના 2020-21ના ટકાઉ વૈશ્વિક લક્ષ્યાંક અંતર્ગત ‘ગોલ નં.3-આરોગ્ય અને સુખાકારી’ અંતર્ગત ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. ગુજરાતે ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પ્રાકૃતિક ખેતીને પણ વિશેષ મહત્વ આપ્યું છે. ગુજરાતના સફળ પ્રાકૃતિક કૃષિ પ્રયોગોનો ભારતભરમાં અમલ કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીના વિકાસમાં ગુજરાતની સાથે સમગ્ર દેશ જોડાયો છે. દેશની પાંચ ટકા વસતિ ધરાવતા ગુજરાતના ખેડૂતો આજે દેશના કુલ રાષ્ટ્રીય કૃષિ ઉત્પાદનમાં 20 ટકા જેટલો ફાળો આપી રહ્યાં છે. સામાજિક અને આર્થિક વિકાસ માટે જળ સુરક્ષા જરૂરી છે તેમ જણાવી તેમણે કહ્યું હતું કે, અગાઉ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની તંગી હતી, પરંતુ યોગ્ય જળ વ્યવસ્થાપનના કારણે આજે સરદાર સરોવર કેનાલના ૬૩ હજાર કિલોમીટરના વિશાળ નેટવર્ક દ્વારા રાજ્યના ખૂણે ખૂણે પીવાનું અને સિંચાઈનું પાણી પહોંચ્યું છે. જેના પરિણામે ખેડૂતો સહિત લાખો ગુજરાતીઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. નીતિ આયોગના ‘કમ્પોઝિટ વૉટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ’માં છેલ્લા ત્રણ વર્ષથી જળ વ્યવસ્થાપનમાં પ્રથમ ક્રમ મેળવી રહ્યું છે.
