રેડ કાર્પેટ પર સુરતીનો જલવો: કાન ફેસ્ટિવલમાં ભારતીય સંસ્કૃતિની ઝલક
Live TV
-
ફ્રાન્સમાં હાલમાં કાન ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. જેમાં સુરતની ફેશન ડિઝાઈનર ટીના રાંકાએ ભારતની અલગ અલગ સંસ્કૃતિઓની ઝલક પોતાના ડ્રેસમાં કંડારી રેડ કાર્પેટ પર વોક કરી હતી. ટીના રાંકા શેહેરની પહેલી ફેશન ડિઝાઈનર છે જેણે સુરતનું કાનમાં પ્રતિનિધિત્વ કર્યું હતુ.
ફ્રાન્સમાં ચાલી રહેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચનાર સુરતની ટીના રાંકાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, એક રાજસ્થાનના નાના શહેરમાંથી આવે છે અને છેલ્લા 22 વર્ષથી સુરતમાં પોતાના પરિવાર સાથે રહે છે. નાનપણથી જ તેને ફેશન ડિઝાઈનિંગનો શોખ હતો. અભ્યાસ પણ રાજસ્થામાં જ થયો હતો. ત્યારબાદ તેના લગ્ન થયા અને સુરત આવી ગઈ હતી. સંયુક્ત ફેમિલીમાં રહેતી અને બે સંતાન ની માતા ટીના રાંકાએ પોતાના નામની જ ફેશન ડિઝાઇન બ્રાન્ડ બનાવી છે. જેમાં પરિવારજનોએ પણ ખૂબ જ સપોર્ટ કર્યો છે.
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ લુક વિશે જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિને હું ખૂબ જ પ્રેમ કરું છું અને ટ્રેડિશનલ આઉટ ફીટ વધારે પસંદ કરું છું. જેથી રેડ કાર્પેટ લૂકમાં ભારતીય સંસ્કૃતિની અલગ અલગ ઝલક ડ્રેસમાં કંડારી હતી. ડ્રેસને આકર્ષક બનાવવા માટે હાથેથી 50 હજાર મોતી લગાડવામાં 3 હજાર કલાકથી પણ વધુનો સમય લાગ્યો હતો. ડ્રેસમાં રંગબેરંગી મોતીઓ, રત્નો સ્ત્રીત્વની શક્તિ અને શક્તિ પ્રત્યેની ભક્તિને દર્શાવે છે અને દુપટ્ટો એની ભવ્યતામાં વધારો કરે છે. સાથે જ ઘરેણાં પરની શાહી ડિઝાઈનને કલાત્મક રીતે સુંદર રૂપ આપવા માટે 120 કલાકથી પણ વધુનો સમય લાગ્યો હતો અને બુટને પણ ભરતકામ કરી 150 કલાકની મહેનતે શણગારવામાં આવ્યા હતા.