વડગામ બ્લોકના બી.આર.સી.કો ઓર્ડીનેટરશ્રી મહેન્દ્ર બારડની રાજયકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરાઈ
Live TV
-
રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે 34 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં 18 પ્રાથમિક શિક્ષકો, 5 માધ્યમિક શિક્ષકો, 1 ઉચ્ચતર માધ્યમિક શિક્ષક, 5 આચાર્ય, 3 એચ ટાટ, 1 ખાસ શિક્ષક અને 1 બી.આર.સી કો- ઓર્ડીનેટરની રાજ્ય પારિતોષિક માટે પસંદગી કરાઈ છે. જેમાં રાજ્યકક્ષાએ એકમાત્ર બી.આર.સી કો ઓર્ડીનેટર શિક્ષક તરીકે બનાસકાંઠા જિલ્લાના વડગામની તાલુકા પગાર કેન્દ્ર શાળામાં ફરજ બજાવતા શિક્ષક મહેન્દ્ર બારડની પસંદગી કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે તેઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ બદલ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય અને શિક્ષકોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે. રાજ્યક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ દર વર્ષે શિક્ષક દિન તારીખ 5મી, સપ્ટેમ્બરના દિવસે આપવામાં આવે છે. વડગામની તાલુકા પગાર કેન્દ્ર શાળામાં છેલ્લા 12 વર્ષથી બી.આર.સી.કો ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા શિક્ષક બારડ એક ઉમદા શિક્ષક અને કેળવણીકારમાં હોવા જોઈએ એવા તમામ ગુણો ધરાવે છે. શિક્ષકોને સતત માર્ગદર્શન, તાલીમ અને બાળકોના ગુણવત્તાસભર શિક્ષણ માટે શું કરવું જોઈએ એની ચિંતા કરતા મહેન્દ્ર બારડ આજના આધુનિક યુગની જરૂરિયાત મુજબના શિક્ષણ પર ભાર મૂકે છે અને એ મુજબ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ઘડતર થાય એ દિશામાં સતત પ્રયત્નશીલ રહે છે. વિદ્યાર્થીઓમાં આત્મબળ, કલ્પના શક્તિ, તર્કશક્તિ, વિચાર શક્તિ, ધીરજ, કુશળતા, ચીવટ જેવા ગુણોનો વિકાસ કરવામાં તેમજ વિદ્યાર્થીઓમાં મૂલ્યોનું સિંચન થાય એવા સઘન પ્રયાસો કરી વિદ્યાર્થીઓમાં પ્રિય અને આદર્શ શિક્ષક તરીકે તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. રાજયકક્ષાના શિક્ષક પારિતોષિક માટેની પસંદગી થતાં હર્ષ અને ગૌરવની લાગણી અનુભવતાં મહેન્દ્ર બારડે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગનો આભાર માન્યો હતો.