વડનગરમાં ASI દ્વારા 2800 વર્ષ જૂના માનવ વસવાટનાં અવશેષો મળ્યાં
Live TV
-
આ સંશોધન મુજબ 800 ઇસા પૂર્વ એટલે કે ખ્રિસ્તી યુગ પહેલાના માનવ વસવાટ અવશેષો હોવાનું તારણ નીકળી રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં 2800 વર્ષ જૂના માનવ વસવાટનાં પુરાવા મળી આવ્યા છે. આ સંશોધન મુજબ 800 ઇસા પૂર્વ એટલે કે ખ્રિસ્તી યુગ પહેલાના માનવ વસવાટ અવશેષો હોવાનું તારણ નીકળી રહ્યું છે.
જેમાં IIT ખડગપુર અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ-ASIના નેતૃત્વમાં છેલ્લાં 7 વર્ષથી અહીં ખોદકામ ચાલી રહ્યું છે, જે દરમિયાન 20 મીટરની ઊંડાઈ સુધી ખોદકામ કરીને ઘણા મહત્ત્વપૂર્ણ પુરાવા એકઠાં કર્યા હતા. આ અંગે પ્રોફેસર ડૉ. અનિન્દ્ય સરકારે કહ્યું કે; વડનગર ભારતનું એકમાત્ર પુરાતત્વીય સ્થળ છે, જ્યાં પ્રારંભિકથી મધ્યયુગીન ઈતિહાસ સંપૂર્ણપણે સચવાયેલો છે અને જેનો ચોક્કસ ઘટનાક્રમ હવે જાણીતો છે.
વડનગરમાં સઘન પુરાતત્વીય ખોદકામનો અભ્યાસ એ પણ સૂચવે છે કે, 3500 વર્ષ દરમિયાન વિવિધ સામ્રાજ્યોનો ઉદય અને પતન તથા તેમજ મધ્ય એશિયાના યૌદ્ધાઓ દ્વારા ભારત પર વારંવાર આક્રમણ થયું હતું. વડનગરમાંથી એક ખૂબ જ જૂનો બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે. આ સ્થળનો ઈતિહાસ ઘણો જૂનો છે.
ASI 2016થી અહિયાં કામ કરી રહ્યું છે. પુરાતત્વ વિભાગના નિરીક્ષક મુકેશ ઠાકોરે જણાવ્યું હતું કે; વડનગરમાંથી અત્યાર સુધીમાં એક લાખથી વધુ અવશેષો મળી આવ્યા છે.