વડોદરામાં PM મોદીના આગમન પૂર્વે સ્વચ્છતા સે સ્વાગત સાયક્લોથોન યોજાઈ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી વડોદરા પ્રવાસને વધાવવા માટે શહેરભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા અને વી બરોડિયનના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા સે સ્વાગત અભિયાન હેઠળ વહેલી સવારે પેડલ ક્લીનર વડોદરા સાયક્લોથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીના ફિટ ઇન્ડિયા અને સન્ડે ઓન સાયકલના સંકલ્પને સાકાર કરતી આ સાયક્લોથોનમાં 1000થી વધુ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી યોજાયો રૂટ
આ સાયક્લોથોનનો પ્રારંભ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી થયો હતો. ત્યાંથી દરબાર ચોકડી, વડસર બ્રિજ, જ્યુપિટર ચોકડી અને તુલસીધામ ચોકડી થઈને રેલી પુનઃ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર સમાપ્ત થઈ હતી. સમગ્ર રૂટ દરમિયાન સાયકલ સવારોએ સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલીના સંદેશાઓ સાથે વાતાવરણ જીવંત બનાવી દીધું હતું.
નેતાઓ અને અધિકારીઓની ખાસ ઉપસ્થિતિ
કાર્યક્રમમાં મહાનગરપાલિકાના મેયર ગીતાબેન મકવાણા, સાંસદ ડો. હેમાંગભાઈ જોશી, નાયબ મેયર આદિત્યભાઈ પટેલ, ધારાસભ્ય સતિષભાઈ પટેલ, અગ્રણી જયપ્રકાશભાઈ સોની તથા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કાઉન્સિલરો, પાલિકાના કર્મચારીઓ, વિવિધ NGO, સાયકલિંગ ક્લબના સભ્યો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો.
સ્વચ્છ અને સ્વસ્થ વડોદરાનો સંકલ્પ
સાયકલિંગ સાથે સ્વચ્છતાના આ સમન્વયનો મુખ્ય હેતુ પ્રધાનમંત્રીના સ્વચ્છતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો અને શહેરને સુંદર બનાવવાનો હતો. વડોદરાવાસીઓએ આ આયોજન દ્વારા સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ જતન પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી આ અભિયાનને એક સફળ જનઆંદોલનનું સ્વરૂપ આપ્યું હતું.
