વડોદરા : રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં વિવિધ ક્ષેત્રમાં ૧૯ એકમો દ્વારા રૂ. ૫૩૫૯ કરોડમાં એમઓયુ થયા
Live TV
-
'વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ વડોદરા' અંતર્ગત વડોદરાના પંડિત દીનદયાળ સભાગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મૂડી રોકાણકારો વરસી પડ્યા હતા અને વિવિધ ક્ષેત્રમાં મૂડી રોકાણ માટે રાજ્ય સરકાર સાથે રૂ. ૫૩૫૯ કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ટાટા એરબસ, એલએન્ડટી જેવી સાત મોટી કંપનીઓ સાથેની બાયર્સ સેલર્સ મિટમાં ૧૬૦ જેટલા વેન્ડરો સહભાગી થયા હતા. આગામી જાન્યુઆરી માસમાં યોજાવા જઇ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધમાં વડોદરા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૯ જેટલા એકમો દ્વારા રાજ્ય સરકારના વિવિધ સંસ્થાઓ સાથે રૂ. ૫૩૫૯ કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા. આ રોકાણથી વડોદરામાં આગામી દિવસોમાં ૫૦ હજાર જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી ઉભી થવાની ધારણા છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૦૩થી શરૂ કરવામાં આવેલા વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ થકી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઉદ્યમીઓને નવું બળ મળ્યું છે અને તેના પરિણામે ઔદ્યોગિક વિકાસ થતાં રોજગારીની વિપુલ તકો ઉભી થઇ છે. વાયબ્રન્ટ ગુજરાતના કારણે ગુજરાતની કાયાપલટ થઇ છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ વખતના વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમને વધુ વ્યાપક બનાવી તમામ જિલ્લામાં લઇ જવામાં આવ્યો છે. જેમાં ડાંગથી લઇ દાંતા સુધીના ગુજરાતના તમામ વિસ્તારોમાં મૂડી રોકાણ માટે પ્રોત્સાહક વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે. સાથે, જે તે જિલ્લાની એક પ્રોડક્ટને પણ પ્રોજેક્ટ કરવામાં આવી છે. વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ અંતર્ગત વડોદરા જિલ્લાની પારાસિટામોલ ટેબ્લેટને સમાવવામાં આવી છે. વધુમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે,વડોદરા જિલ્લો ઔદ્યોગિક રીતે અગ્રણી રહ્યો છે અને અહીંના ઉદ્યોગપતિઓ અન્યને માર્ગદર્શન પૂરૂ પાડે એવું વિઝન ધરાવે છે. હવે, વડોદરાના વિકાસ સાથે તેઓ પણ તાલ મેળવી રહ્યા છે. જનપ્રતિનિધઓ પણ લોકોના પ્રશ્નોના ઉકેલ માટે સતત પ્રવૃત્ત રહે છે. તેના કારણે જ રાજ્યમાં સૌથી ઉત્તમ પ્રકારે વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ વડોદરા કાર્યક્રમ થયો છે અને તેમાં જિલ્લા વહીવટી તંત્રનું યોગદાન સરાહનીય છે.
