વડોદરા રેલવે સ્ટેશન પર ફરી ગાંજાનો જથ્થો ઝડપાયો: 12 દિવસમાં 85 લાખનો મુદ્દામાલ જપ્ત
Live TV
-
વડોદરા રેલવે સ્ટેશન પર ફરી એકવાર ટ્રેન મારફતે થતી ગાંજાની દાણચોરીનો પર્દાફાશ થયો છે. રેલવે SOG દ્વારા હાથ ધરાયેલી તપાસમાં પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી અંદાજે રૂ. 57 લાખની કિંમતનો 113 કિલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે.
બાતમીના આધારે રેલવે SOGની ટીમે પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ટ્રેનના દિવ્યાંગ કોચના ટોયલેટમાંથી ગાંજાનો મોટો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. તસ્કરોએ પોલીસને ચકમો આપવા માટે આ ગાંજો ટોયલેટમાં છુપાવ્યો હતો.નોંધનીય છે કે, માત્ર 12 દિવસના ટૂંકા ગાળામાં જ આ પ્રકારની બીજી ઘટના સામે આવી છે. અગાઉ પુરી-ઓખા ટ્રેનમાંથી પણ આ જ મોડસ ઓપરેન્ડી દ્વારા ગાંજો ઝડપાયો હતો. આમ, છેલ્લા 12 દિવસમાં પોલીસે કુલ 170 કિલો ગાંજો અને રૂ. 85 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને દાણચોરોની ગેંગ પર તવાઈ બોલાવી છે. હાલ રેલવે પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
