વરસાદના કારણે સર્જાયેલ પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી
Live TV
-
અસરગ્રસ્ત ભરૂચ, નર્મદા, વડોદરા અને આણંદ જિલ્લામાં આરોગ્યની ટીમ રાહત કામગીરી માટે સતત ખડેપગે
રાજ્યમાં ભારે વરસાદને કારણે છેલ્લા ત્રણ દિવસમાં મધ્યગુજરાતના મુખ્ય ચાર અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્જાયેલ પસ્થિતિ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દિશાનિર્દેશ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સધન રાહત કામગીરી હાથ ધરીને સેવાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત કરાયું છે. ભારે વરસાદ બાદ સર્જાયેલ પરિસ્થિતિના પગલે તા. 18 સપ્ટેમ્બરથી આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ અને રાહત કામગીરી હાથ ધરાઇ છે. તા. 18 થી 21 દરમિયાન 4 જિલ્લાના 121 ગામોના 4,00,430 વ્યક્તિઓનું આરોગ્યકર્મીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરવામાં આવ્યું. જેમાં 82,620 ક્લોરીન ટેબ્લેટ અને 56,400 ઓ.આર.એસ.નું વિતરણ કરાયું છે.
આવતીકાલ તા. 22 થી 28 સપ્ટેમ્બર 7 દિવસ દરમિયાન ચારેય અસરગ્રસ્ત જિલ્લાઓમાં આરોગ્યકર્મીઓની 435 ટીમ દ્વારા સર્વેલન્સની સધન ઝુંબેશ હાથ ધરાશે, તેમ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યુ છે કે, અસરગ્રસ્ત ચાર જિલ્લાઓમાં 3 જિલ્લા હોસ્પિટલ, 4 પેટા જિલ્લા હોસ્પિટલ, 37 સામુહિક આરોગ્ય કેન્દ્રો, 174 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 1055 જેટલા સબ સેન્ટર આમ કુલ 1273 જેટલા આરોગ્ય કેન્દ્રો ઉપરાંત 20 મોબાઇલ હેલ્થ યુનિટ દર્દીઓની સેવા-સુશ્રુષામાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત છે. હાલ આ જિલ્લાઓમાં કુલ 70 સરકારી એમ્બ્યુલન્સ અને 73 જેટલી 108 ની એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવાઓ માટે દોડી રહી છે. જીલ્લા અને કોર્પોરેશનમાં તૈયાર કરેલ શેલ્ટર હોમમાં મેડિકલ ટીમની પ્રતિનિયુક્તિ કરાઇ છે, જેમાં શેલ્ટર હોમમાં રહેલ તમામ વ્યક્તિઓની દૈનિક આરોગ્ય તપાસ કરાય છે અને જરૂરિયાત મુજબ લોજીસ્ટિક, દવાઓ અને અન્ય સાધન સામગ્રી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત ચારેય જિલ્લાઓની તમામ હોસ્પિટલમાં, આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી તમામ દવાઓનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તમામ સરકારી લેબોરેટરીમાં પાણીજન્ય, વાહક જન્ય, વેક્સિનથી પ્રિવેન્ટેબલ ડીસીઝ વગેરે રોગો સંલગ્ન બ્લડ અને યુરીન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.આ 7 દિવસની સધન ઝુંબેશમાં કમળો, ટાઇફોઇડ, કોલેરા, ઝાડા ઉલ્ટી, મરડો જેવા પાણીજન્ય રોગો તથા મેલેરિયા ડેગ્યું તેમજ ચિકનગુનિયા જેવા વાહક્જન્ય રોગોને પ્રસરતા અટકાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફિલ્ડ સ્ટાફ દ્વારા અને આશા વર્કરો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને પાણીના પાત્રોની તપાસ કરીને મચ્છરના બ્રિડીંગ વાળા પોઝીટીવ પાત્રોના નિકાલ કરાશે તેમજ ઝાડા, ઝાડા-ઉલ્ટીના રોગચાળામાં ઓ.આર.એસ.પેકેટનો અને ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામા આવશે. વરસાદી/કાયમી પાણીના સ્ત્રોતોમાં પોરાભક્ષક માછલી મુકીને નિકાલ વ્યવસ્થા હાથ ધરાશે. જિલ્લા કક્ષાના આરોગ્ય અધિકારીને દરેક 10 ગામો દીઠ નોડલ અધિકારી તરીકે નિમવામાં આવશે. રાજ્યકક્ષાએથી મોનીટરીંગ સેલ દ્વારા સમગ્ર સ્થિતીનું રીયલ ટાઇમ સુપરવિઝન કરાશે.
વડોદરા જિલ્લામાં 31 પેરા મેડિકલ ટીમ અને ચાર આરબીએસકે ટીમ એમ્બ્યુલન્સ સાથે ડેપ્યુટેશન કરવામાં આવેલ છે. નર્મદા જિલ્લામાં 11 RBSK ટીમ એમ્બ્યુલન્સ સાથે ડેપ્યુટેશન કરવામાં આવેલ છે. જરૂર જણાય અન્ય તાલુકા અને જિલ્લામાંથી પણ આરોગ્યની ટીમ ડેપ્યુટેશન કરવામાં આવશે.
ભરૂચ જિલ્લામાં કુલ 254 મેડિકલ અને પેરામેડિકલ ટીમ દ્વારા ચાર તાલુકાના 47 અસરગ્રસ્ત ગામોમાં આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરાઇ છે. 1,11,788 લોકોનું સર્વેલન્સની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે જેમાં ટી.સી.એલ. પાવડરની કુલ 341 બેગ જથ્થો, ટેબલેટ ક્લોરિનનો કુલ 80,000 નો જથ્થો અને ઓ.આર.એસ.ના કુલ 25,000 પેકેટ્સનું વિતરણ માટે ઉપલબ્ધ કરાયું છે. એક સગર્ભા બહેનને સફળતાપૂર્ણ સલામત સ્થળે ખસેડવામાં આવી હતી જેની સફળ નોર્મલ ડિલીવરી થઇ છે. આ અસરગ્રસ્ત વિસ્તારોમાં 108 ની 19 અને સરકારી દવાખાનાની 21 આમ કુલ 40 જેટલી એમ્બ્યુલન્સ સેવામાં રાઉન્ડ ધ ક્લોક તહેનાત કરાઇ છે.
નર્મદા જિલ્લામાં 86 મેડિકલ અને પેરામેડિકલની ટીમ દ્વારા ચાર તાલુકાના 26 અસરગ્રસ્ત ગામોમાં રાહત કામગીરી હાથ ધરાઇ છે. 32409 લોકોનું સર્વેલન્સની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. જેમાં 11 જેટલી સગર્ભા બહેનોને સફળતાપૂર્ણ શિફ્ટ કરાઇ છે. જેમાંથી 3 બહેનોની સફળ પ્રસુતિ થઇ છે. આ વિસ્તારોમાં 108 ની 13 અને સરકારી દવાખાનાની 32 આમ કુલ 45 જેટીલ એમ્બ્યુલન્સ સેવારત કરાઇ છે. જેમાં 13 જેટલી સગર્ભા બહેનોને સફળતાપૂર્ણ શિફ્ટ કરાઇ છે જેમાંથી 7ની સફળ પ્રસુતિ થઇ છે. આ વિસ્તારોમાં 108 ની 22 અને સરકારી દવાખાનાની 13 આમ કુલ 35 જેટલી એમ્બ્યુલન્સ સેવારત કરાઇ છે.
આણંદ જિલ્લામાં 30 મેડિકલ અને પેરામેડિકલની ટીમ દ્વારા 4 તાલુકાના 6 અસરગ્રસ્ત ગામોમાં રાહત કામગીરી હાથ ધરાઇ છે. આ વિસ્તારોમાં 108 ની ૧૯ અને સરકારી દવાખાનાની 4 આમ કુલ 23 જેટલી એમ્બ્યુલન્સ સેવારત કરાઇ છે. 1,78,691 લોકોનું સર્વેલન્સની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. ટી.સી.એલ.પાવડરની કુલ 90 બેગ, ટેબલેટ ક્લોરિનનો કુલ 51,000નો જથ્થો અને ઓ.આર.એસ.ના કુલ 27,000 પેકેટ્સનું વિતરણ કરાયું છે.
ભારે વરસાદની પરિસ્થિતિમાં સર્જાયેલ પરિસ્થિતિમાં સંપૂર્ણપણે રાહતકામગીરી અને આરોગ્યલક્ષી સેવા-સુવિધાઓ અને સારવાર સત્વરે ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ સજ્જ છે.
