વિરમગામમાં સ્ટેટ હાઇવે-17 પર મેગા ડિમોલિશન: 4000 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત
Live TV
-
વિરમગામ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે નં. 17 પર ગંગાસર તળાવ નજીક વર્ષોથી થયેલા દબાણોને હટાવવા માટે તંત્ર દ્વારા મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વહીવટીતંત્ર, માર્ગ અને મકાન વિભાગ તથા પોલીસના સંયુક્ત પ્રયાસોથી આશરે 400 મીટરના વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્ટ્રક્ચર, દુકાનો અને અન્ય દબાણોને દૂર કરી કુલ 4000 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે.રોડ વિસ્તરણના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે છેલ્લા બે મહિનાથી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી. આ કાર્યવાહી ખૂબ જ સંવેદનશીલ હોવાથી સ્થાનિક આગેવાનો અને ધાર્મિક પ્રતિનિધિઓ સાથે સતત સંવાદ સાધી તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા, જેના પરિણામે સમગ્ર ડિમોલિશન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 1 ડીવાયએસપી, 15 પીઆઈ સહિત 550થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. વિરમગામની આ અત્યંત પડકારજનક ગણાતી કામગીરી કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે સફળતાપૂર્વક પૂર્ણ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
