વેરાવળમાં ઉત્સાહભેર ઉજવાયું ‘સ્વચ્છતા હી સેવા–2026’ અભિયાન
Live TV
-
વેરાવળમાં ઉત્સાહભેર ઉજવાયું ‘સ્વચ્છતા હી સેવા–2026’ અભિયાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સેવા અને સુશાસનના ૨૫ વર્ષ નિમિત્તે વેરાવળ ખાતે ‘સ્વચ્છતા હી સેવા–2026’ અભિયાન અંતર્ગત ભવ્ય સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકભાગીદારીના અનોખા ઉદાહરણ સાથે વેરાવળ ચોપાટી ખાતે એક કલાકના વિશેષ શ્રમદાન સાથે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સામૂહિક શ્રમદાન અને વિશેષ ઉપસ્થિતિ
“એક દિવસ, એક કલાક, એકસાથે–રાષ્ટ્રવ્યાપી શ્રમદાન દિવસ” નિમિત્તે સવારે 8:00 કલાકે પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓએ સામૂહિક શ્રમદાન કર્યું હતું.
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ ગોહિલ અને જિલ્લાના અન્ય મહાનુભાવોએ ઉત્સાહપૂર્વક શ્રમદાન કરી ચોપાટી પરથી પ્લાસ્ટિકની કોથળીઓ, નકામા કાગળો, વેફરના પડીકા, સૂકા નારિયેળ, નાસ્તાની ડિશો અને કાચની બોટલો સહિતનો સૂકો તથા ભીનો કચરો એકત્ર કર્યો હતો.
"સ્વચ્છ ભારત, વિકસિત ભારત" ની થીમ
“સ્વચ્છતામાં સહભાગ; સ્વચ્છ ભારત, વિકસિત ભારત” થીમ પર આધારિત આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જનજાગૃતિ કેળવવાનો અને સામુદાયિક સ્વચ્છતાના મહત્વને ઉજાગર કરવાનો હતો.
આ સ્વચ્છતા અભિયાનમાં નગરપાલિકાના કારોબારી ચેરમેન ઉદયભાઈ શાહ, તાલુકા પંચાયત પ્રમુખ નાથીબહેન વાજા, અગ્રણી ડૉ.સંજયભાઈ પરમાર, પ્રદ્યુમનસિંહ ડોડિયા, શૈલેષભાઈ મેસવાણિયા, ભરતભાઈ બાકુ, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ સચિવ અશ્વિનભાઈ પાઠક, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી નિયામક બી.બી.ડાંગર, ચીફ ઓફિસર અશ્વિન વ્યાસ, આત્માના ડિરેક્ટર પુષ્પકાંત સ્વર્ણકાર સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ સહભાગી થયા હતાં.
'સેવા સંકલ્પ' અંતર્ગત આગામી કાર્યક્રમો
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં તા. 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર, 2026 દરમિયાન સામૂહિક શ્રમદાન, જનભાગીદારી, સ્વચ્છ પર્વ, હરિત પર્વ તેમજ સફાઈમિત્ર સુરક્ષા અને સન્માન શિબિર જેવા વિવિધ કાર્યક્રમો યોજીને 'સેવા સંકલ્પ' અભિયાનની વ્યાપક ઉજવણી કરવામાં આવી રહી છે.
