સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં 30 હજાર ક્યુસેક પાણી છોડાશે, ઉત્તરવાહિની પરિક્રમા સ્થગિત
Live TV
-
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા રિવર બેડ પાવર હાઉસના સંચાલન માટે નર્મદા ડેમમાંથી પાણી છોડવાનું નિયત કરવામાં આવ્યું હોવાથી હેઠવાસના વિસ્તારના લોકોને સાવધ રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. ખાસ કરીને ચૈત્ર માસમાં ઉત્તરવાહિની પરિક્રમા ચાલી રહી હોવાથી પદયાત્રીઓની સલામતી માટે પરિક્રમા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.
ઇન્દોર સ્થિત નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા રિવર બેડ પાવર હાઉસના સંચાલન માટે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવાનું નિયત કરવામાં આવ્યું છે. આ પાણીનો જથ્થો 30 હજાર ક્યુસેક સુધી થવા જાય છે. આના કારણે ડેમના હેઠવાસમાં નદીના પટમાં 30 હજાર ક્યુસેક પાણીની આવક થશે.
ખાસ કરીને આ પાણીના કારણે નર્મદા નદીના ઉત્તરવાહિની પરિક્રમના રૂટમાં પણ અસર થવાની શક્યતા છે. આ બાબતને ધ્યાને રાખીને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાં સ્થગિત કરી દેવામાં આવી છે. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાવાસીઓને પરિક્રમા કરતા અટકાવશે. પરિક્રમાર્થીઓને નદીમાં જવાનું દુઃસાહસ ના કરવા તેમજ સતર્ક રહેવા માટે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરાવ ઘાટ ખાતે બનાવવામાં આવેલા કામચલાઉ પૂલ બંધ કરી દેવામાં આવ્યો છે. નર્મદા પરિક્રમા હાલ સ્થગિત કરી હોવાથી ભક્તોને સાથ સહકાર આપવા તંત્રએ અપીલ કરી છે.