સાબરકાંઠામાં જામશે ત્રિપાંખીયો જંગ, નરેન્દ્રસિંહ પરમારની અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત
Live TV
-
ગુજરાત સહિત દેશભરમાં જ્યારે ચૂંટણીનો માહોલ જોરદાર જામ્યો છે. ત્યારે ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં પણ ચૂંટણીનો જંગ રસપ્રદ બન્યો છે. કેમ કે સાબરકાંઠા લોકસભા બેઠક પર આ વખતે ત્રિપાંખીયો જંગ જામશે.
સાબરકાંઠામાં દોઢેક વર્ષ પહેલા શરૂ થયેલા પોલીસ મહા આંદોલનના પ્રણેતા નરેન્દ્રસિંહ પરમારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને અપક્ષ તરીકે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આજે તેમણે પોતાનો મેનિફેસ્ટો પણ જાહેર કર્યો છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા નરેન્દ્રસિંહ પરમાર આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને તેઓ આપના પ્રભારી તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
મહત્વનું છે કે ભાજપે સાબરકાંઠા લોકસભા બેઠક પર મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે તુષાર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. અને હવે સાબરકાંઠામાં અપક્ષ ઉમેદવારે ઝંપલાવતા કોંગ્રેસના તુષાર ચૌધરી, ભાજપના શોભનાબેન બારૈયા અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ત્રિકોણીયો જંગ જામશે.
