સુરતનાં 15 હજાર સ્કૂલ વાહન ચાલકો હડતાળમાં જોડાયા
Live TV
-
રાજ્યમાં આજથી સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા છે. ત્યારે સુરતમાં પણ 15 હજાર સ્કૂલ વાન ચાલકો હડતાળમાં જોડાયા છે. RTO અને ટ્રાફિક પોલીસની કામગીરીના વિરોધમાં સ્કૂલ અને રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા છે. સ્કૂલ વાહન ચાલકો અને સ્કૂલ રીક્ષા ચાલકોનું કહેવું છે કે, RTO અને ટ્રાફિક પોલીસ તરફથી 20થી 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. વિદ્યાર્થીઓને લઈ જતાં હોય ત્યાં RTO અને ટ્રાફિક પોલીસ આવી ગાડી ડિટેઇન કરી રહ્યા છે. સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકોએ ગાડીઓની કામગીરી પૂર્ણ કરવા માટે સમય આપવા માટે માંગ કરી છે.
આજથી સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા ચાલકો હડતાળ પર ઉતરતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે વાલીઓએ જણાવ્યું કે, વેનના ભાડામાં રૂ.200નો વધારો કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ વેન ચાલકો પોતાની મનમાની કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. હડતાળના પગલે નોકરિયાત વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વાહનવ્યવહાર વિભાગ 2019ના નિયમોની યાદીને વળગી રહી છે. તેમાં ફેરફાર કરવા કે નહીં? તેને લઇને વિભાગના ઉચ્ચ અધિકારીઓ, RTO, ARTO, પૂર્વ અધિકારીઓ કે નિષ્ણાતો સાથે ચર્ચા કરવાની વિભાગે તસદી જ લીધી જ નહીં. અંતે સ્કૂલવર્ધી એસોસિએશનને વિરોધ કરવાની શરૂઆત કરી હતી. આ પછી પણ કોઈ નિરાકરણ ન આવતા એસોસિએશને અંતે અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે. RTOના અધિકારીએ કહ્યું કે, ખાનગી વાહનમાં બાળકોને લઇ જવાતા હશે તો, વાહન ડિટેઇન કરશે. સરકારમાંથી નવી કોઇ સૂચના આવી નથી. જેથી આરટીઓ દ્વારા ડ્રાઇવ કરાશે.
