સુરતમાં જળબંબાકારની સ્થિતિ, બે કલાકમાં પોણા છ ઇંચ વરસાદ વરસ્યો
Live TV
-
અનરાધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે અને રસ્તાઓ પાણી પાણી થઈ જતાં વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ જ આજે વહેલી સવારથી જ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સવારે આઠથી દસ દરમિયાન માત્ર બે કલાકમાં પોણા છ ઇંચ વરસાદને લીધે શહેરમાં ચારેબાજુ જળબંબાકાર બન્યું છે. અનરાધાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. વહેલી સવારથી વરસી રહેલા અવિરત વરસાદને પગલે કલેક્ટરે સવાર પાળીના બાળકો ઝડપથી ઘરે પહોંચે તે માટે સૂચનાઓ આપી છે. અને બપોર પાળીના બાળકોને રજા આપવા માટે સૂચન કર્યું છે.
આગામી સાત દિવસ વરસાદની આગાહી
ગુજરાતમાં તારીખ 16મી જૂને ચોમાસાનો સતાવાર પ્રવેશ થયા બાદ આઠ દિવસમાં જ આખા રાજ્યને કવર કરી લીધું છે. આઠ દિવસમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 16 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં મેઘમહેરની આગાહી કરી છે. રવિવારે પણ રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. 150થી વધુ તાલુકાઓમાં વરસાદે હાજરી પુરાવી હતી. જામનગરના જોડીયા તાલુકામાં સાત ઈંચ તો બનાસકાંઠાના અમીરગઢમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. જામનગર, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થઈ છે તો ક્યાંક પૂરની સ્થિતિ પણ જોવા મળી હતી. રાત્રિના 10 વાગ્યા બાદ સુરતમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટીંગ શરૂ થતા ગણતરીની મિનિટોમાં જ રસ્તાઓ પાણી પાણી થયા હતા.
