સુરત ખાડીના પૂરને કારણે 88 રસ્તાઓ બંધ, પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું
Live TV
-
સુરતને ખાડી પૂરે બાનમાં લીધું છે. ગઈકાલથી ખાડી પૂરથી સ્થિતિ વણસી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકાનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે.રસુલાબાદ વિસ્તારમાં પાણી કમર સુધી ભરાયા છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાયેલા છે. 10 જેટલા પરિવારોને સવારે 5 વાગ્યે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. મીઠી ખાડી 9 મીટરની સપાટીએ પહોંચી ગઈ છે. ભયજનક સપાટીથી અડધો મીટર દૂર છે. આથી લિંબાયત વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે. 88 રસ્તા બંધ થયા છે.
રવિવારથી શરુ થયેલા વરસાદે આજે પણ આખો દિવસ શહેરીજીવનને ધમરોળ્યુ હોઇ તેમ આખો દિવસ વરસાદથી લોકો અટવાયા હતા. એકધારો વરસાદ ચાલુ જ રહેતા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ ના થતા સુરત શહેરના સરથાણા, વેસુ, કતારગામ લિંબાયત, પુણા કુંભારીયા, સણીયા કણદે સહિત અનેક વિસ્તારો જાણે બેટમાં ફેરવાયા હોઇ તેમ ઘુંટણ સમા પાણી ભરાતા વાહન વ્યવહારને તો અસર પડી જ હતી. લોકોની અવરજવર પણ બંધ થઇ ગઇ હતી. જેના કારણે પાલિકા અને પોલીસનું તંત્ર સતત દોડતુ રહ્યુ હતુ.ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સુરત જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. જેમાં 24 કલાકમાં પલસાણામાં 10 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ પલસાણાના બલેશ્વર ગામમાં પાણી ભરાયા છે. બલેશ્વર ગામ બે દિવસથી બેટમાં ફેરવાયું છે. બલેશ્વર ગામની બત્રીસ ગંગા ખાડી ગાંડીતૂર થઇ છે. તેમજ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે.
જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં પલસાણામાં 10 ઈંચ તો બારડોલીમાં 8 અને મહુવામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા ત્રણ દિવસથી પલસાણાના બલેશ્વર ગામની બત્રીસ ગંગા ખાડી ગાંડીતુર થઇ છે. 12 કલાકમાં ઉમરપાડામાં 11 ઇંચ વરસાદ, પલસાણામાં 10 ઇંચ, કામરેજમાં 8.5 ઇંચ વરસાદ, બારડોલીમાં 8 ઇંચ, માંગરોળમાં 7 ઇંચ વરસાદ, માંડવીમાં 5 ઇંચ, ચોર્યાસીમાં 5 ઇંચ વરસાદ, મહુવામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ છે.
જિલ્લામાં ગત રોજ સાંજે 06 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ ઉમરપાડામાં 11.04 ઈંચ વરસાદ, પલસાણામા 10 ઇંચ,કામરેજમાં 8.32 ઇંચ બારડોલીમાં 8.08 ઈંચ વરસાદ, ઓલપાડ 44 એમ.એમ, માંગરોળ 165 એમ.એમ, ઉંમરપાડા 276 એમ.એમ, માંડવી 114 એમ.એમ, કામરેજ 208 એમ.એમ, ચોર્યાસી 111 એમ.એમ. મહુવા 154 એમ.એમ વરસાદ આવ્યો છે. સુરત જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે શહેરમાં પાણી નદીઓની જેમ વહી રહ્યાં છે. માંગરોળ તાલુકાનું વડોલી ગામ સંપર્ક વિહોણું થયું છે. ટોકરી નદીમાં પૂરને લઇ ગામ સાથેનો સંપર્ક કપાયો છે. નદી પર કોઝવેના પાણી ફરી વળ્યા છે. 6 કલાકમાં માંગરોળમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
બે દિવસ માત્ર સુરતને ઘમરોળ્યા બાદ હવે વરસાદે આખા દક્ષિણ ગુજરાતને ધમરોળવાનું શરૂ કર્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે તમામ નદીઓ ગાંડીતૂર થઇ છે ધોધમાર વરસાદ થતા અનેક જળાશયો છલકાયા તો બીજી તરફ ગામોમાં વરસાદી પાણી પણ ઘૂસ્યા છે. સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. વરસાદને કારણે શહેરીજનો પારવાહી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. આ વચ્ચે બુધવારના રોજ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કરીને સ્કૂલમાં રજાની જાહેરાત કરવામાં આવી છે.
