Skip to main content
Settings Settings for Dark

સુરત નવી સિવિલ હોસ્પિટલ: વિવિધ આરોગ્ય સુવિધાઓનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું લોકાર્પણ

Live TV

X
  • નવી સિવિલ હોસ્પિટલ અને સરકારી તબીબી મહાવિદ્યાલય, સુરતના કિડની બિલ્ડિંગ ખાતે વિવિધ નવી આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તથા આરોગ્ય રાજયમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું. ધારાસભ્ય સંગીતાબેન પાટીલ તથા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. પારૂલ વડગામા પણ ઉપસ્થિત રહ્યા હતા.  

    નવી સિવિલ ખાતે ૩૦ બેડના અધતન ડાયાલિસીસ સેન્ટર, મેડિકલ ICUનું ૧૦ બેડથી વધારીને ૨૦ બેડ સુધી વિસ્તરણ, સર્જિકલ ICUનું ૧૦ બેડથી વધારીને ૨૦ બેડ સુધી વિસ્તરણ, ઓર્ગન ડોનેશનના દર્દીઓ માટે આઇસોલેશન ICU, અપગ્રેડેડ ઇમરજન્સી વિભાગ તથા સાકેત ગ્રુપ દ્વારા હેલ્પ ડેસ્ક સહિતની વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સુરત સિવિલ સ્ટાફ દરરોજ ૪૫૦૦ થી ૫૦૦૦ લોકોને OPDના માધ્યમથી સારવાર આપે છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં જેટલા દર્દીઓની સારવાર થાય છે તેના કરતાં પણ વધારે દર્દીઓની સારવાર કરીને તેમને સ્વસ્થ કરી ઘરે પરત મોકલવાનું મહત્વપૂર્ણ કાર્ય સિવિલ પરિવાર અને નર્સિંગ ટીમ કરી રહી છે. ૧૫૦૦ બેડના દર્દીઓને સેવા આપવા માટે સિવિલની ટીમ દરરોજ અડીખમ ઊભી રહે છે. નવી સિવિલમાં એવા અનેક દર્દીઓ આવે છે જેમનો કોઈ પરિવાર હોતો નથી અથવા તેમનો પરિવાર તેમને છોડીને ચાલ્યો ગયો હોય છે. આવા સમયે નર્સિંગ સ્ટાફના ભાઈ-બહેનો તેમના પરિવારજનો બનીને નિઃસ્વાર્થ ભાવે તેમની સેવા કરે છે. નિરાધાર દર્દીઓ અને પરિવારથી વિખૂટા પડેલા લોકોની સારવાર ઉપરાંત તેમની અન્ય જરૂરિયાતોમાં પણ નર્સિંગ સ્ટાફ પરિવારના સભ્યની જેમ જવાબદારી નિભાવે છે એમ શ્રી સંઘવીએ કહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, સુરતમાં એક સમયે માત્ર એક જ ડાયાલિસિસ સેન્ટરની સુવિધા હતી, જ્યારે આજે ૩૦થી વધુ ડાયાલિસિસ સેન્ટરો ઉપલબ્ધ છે. આરોગ્ય ક્ષેત્રમાં સતત વિસ્તરી રહેલી સુવિધાઓ મહત્વપૂર્ણ છે. તેમણે કોરોના મહામારીના સમયને યાદ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે કોરોનાના કેસો વધી રહ્યા હતા એ સમયે સ્ટેમસેલ અને કિડની બિલ્ડિંગોમાં ઝડપથી કોરોના વોર્ડ ઊભા કરી દર્દીઓને બચાવવાનું કાર્ય થયું હતું. તે સમયે સિવિલ હોસ્પિટલની તબીબી અને નર્સિંગ ટીમે દિવસ-રાત એક કરીને કરેલી કામગીરીને યાદ કરીને સૌને બિરદાવ્યા હતા. સિવિલની ઓર્ગન ડોનેશન ટીમને અભિનંદન આપતાં જણાવ્યું કે, અનેકને જીવનદાન આપનાર સિવિલ હોસ્પિટલની ટીમમાં સેવાભાવ, ટીમવર્ક, માનવીય અભિગમ ઉદાહરણરૂપ છે. તેમણે સમગ્ર સિવિલ હોસ્પિટલને સ્વચ્છ, સુઘડ બનાવવા અને ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવા પ્રતિબદ્ધ બનવાની અપીલ કરી હતી.

    આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કોરોના કાળ દરમિયાન તેમણે નિષ્ઠાપૂર્વક બજાવેલી ફરજને બિરદાવી વધુમાં જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલના સમગ્ર સ્ટાફ અને તબીબોની કામગીરીથી તેમને પોતાના ‘સિવિલ પરિવાર’પર ગર્વ છે. હોસ્પિટલમાં સ્વચ્છતા, સારો વ્યવહાર અને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે દિશામાં સતત કામગીરી થઈ રહી છે.

    નર્સિંગ ક્ષેત્રને સેવાભાવપૂર્ણ ગણાવતા મંત્રીએ કહ્યું કે, નર્સ તરીકે સેવા આપવી એ ગૌરવની બાબત છે. સુરત અને અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમોએ અંગદાનના ક્ષેત્રમાં પણ નોંધપાત્ર કામગીરી કરી છે. સિવિલ હોસ્પિટલના સ્ટાફ, તબીબો અને નર્સિંગ ટીમને સુરતનો દરેક વ્યક્તિ ગર્વથી જુએ તેવું વાતાવરણ ઊભું કરવાનો સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં કામરેજ ખાતે ૧૫૦૦ બેડની હોસ્પિટલ બનાવવા માટેની ચાલી રહેલી કામગીરીની વિગતો આપી હતી. આરોગ્ય ક્ષેત્રના તબીબો, કર્મચારીઓને અંત્યોદય સુધી નિષ્ઠાપૂર્વક આરોગ્ય સેવા પહોંચે તેવા પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો. તબીબી ક્ષેત્રમાં રેગિંગની ઘટનાઓને ગંભીર ગણાવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સિનિયર દ્વારા જુનિયરનું રેગિંગ કોઈપણ રીતે સ્વીકારી શકાય નહીં. તબીબી ક્ષેત્રે સૌએ શિસ્ત અને જવાબદારી સાથે શ્રેષ્ઠ કામગીરી કરવાની અપીલ કરી કહ્યું કે, અહીંથી હજારો દર્દીઓ સારવાર મેળવી આશીર્વાદ આપીને જાય છે. નિષ્ઠાપૂર્વક કરવામાં આવતું કાર્ય સમાજમાં હંમેશાં યાદ રહે છે. તેમણે સેવાભાવના, સ્વચ્છતા અને ઉત્તમ સારવારને કેન્દ્રમાં રાખીને સિવિલ હોસ્પિટલને વધુ શ્રેષ્ઠ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. 

    મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. પારૂલ વડગામાએ સ્વાગત પ્રવચન કરીને સિવિલ હોસ્પિટલમાં આરોગ્યક્ષેત્રે થઈ રહેલા બદલાવ, અપગ્રેડેશન અંગેની વિગતો આપી હતી. 

    આ પ્રસંગે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, મેડિકલ કોલેજના ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ, મેડીકલ ઓફીસર ડૉ. ભરત ચાવડા, નર્સિગ સુપ્રિન્ટેન્ડન્ટ નિરજા પટેલ, નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ ઈન્દ્રાવતી રાવ, ફિજીયોથેરાપી કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મનમીત કૌર, ટીએનએઆઈના સેક્રેટરી ઈકબાલ કડીવાલા, વિવિધ વિભાગના વડાઓ, પ્રિન્સિપાલો, તબીબો, નર્સિંગ સ્ટાફ, સહાયક કર્મી બહેનો, વિવિધ એન.જી.ઓ.,ના આગેવાનો, હોસ્પિટલ એસોસિયેશનો, મેડિકલ ઓફિસરો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-09-2026 Max Temp : °C Min Temp : °C
apply