સુરત: મુખ્યમંત્રીએ કર્યું ઉદ્દવહન પાઈપલાઇન યોજનાનું લોકાર્પણ; 91મી K-9 વજ્ર ટેન્કનો કર્યો ફ્લેગ ઑફ
Live TV
-
મુખ્યમંત્રીએ સુરતના સઠવાવ ખાતે 'કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઈપલાઇન યોજના'નું કર્યું લોકાર્પણ. સાથે જ મુખ્યમંત્રીએ 91મી K-9 વજ્ર ટેન્કનો ફ્લેગ ઑફ કરી ટેન્કને દેશ અને સેનાને અર્પણ કરી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત જિલ્લાના માંડવી તાલુકાના સઠવાવ ખાતે કુલ રૂ. ૫૭૦ કરોડના ખર્ચે આદિજાતિ વિસ્તારમાં સાકાર થયેલી સિંચાઈ સુવિધા માટેની 'કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઈપલાઇન યોજના'નું લોકાર્પણ કર્યું. જેને પગલે માંડવી અને માંગરોળ તાલુકાના આદિજાતિ વિસ્તારમાં સિંચાઇ સુવિધાનો નવો આયામ રચાયો છે. માંડવી તાલુકાના ૬૧ ગામોનો ૨૦,૫૨૫ એકર તથા માંગરોળ તાલુકાના ૨૮ ગામોનો ૨૮,૯૭૫ એકર વિસ્તાર મળીને ૮૯ ગામોના કુલ ૪૯,૫૦૦ એકર જેટલા વિસ્તારને વિતરણ વ્યવસ્થા થકી સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ થતાં, અંદાજિત ૨૯, ૦૦૦ આદિજાતિ ખેડૂત પરિવારોને લાભ થશે. વધુમાં ૩ મધ્યમ ડેમ, ૨ મોટા તળાવો, ૬ કોતરો અને ૩૦ ચેક ડેમોમાં પાણી સંગ્રહ થશે. જેથી આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ સુવિધાથી સ્થાનિક કિસાનોની સમૃદ્ધિ થશે. દુર્ગમ પહાડી વિસ્તારમાં ઈજનેરી કૌશલ્યના અનોખા ઉદાહરણરૂપ આ યોજનામાં કુલ ૩૨ કિલોમીટરની લંબાઇમાં માઇલ્ડ સ્ટીલની પાઇપલાઇન નાંખવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના માંડવી અને માંગરોળ તાલુકાના આદિજાતિ વિસ્તારના કેટલાક ગામો ઉંચા લેવલે હોઇ તથા ડુંગરાળ પ્રદેશમાં આવેલા હોવાથી નજીકમાં જ ઉકાઇ ડેમ તથા કાકરાપાર વિયર જેવી મોટી સિંચાઇ યોજનાઓની નહેરો હોવા છતાં આ ગામો સિંચાઇ સુવિધાથી વંચિત રહ્યાં હતાં. આ સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા આ પાઇપલાઇન યોજનાનું આયોજન હાથ ધરાયું છે.
સાથે જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતમાં આવેલા એલ એન્ડ ટી ડિફેન્સ સેન્ટર ખાતે પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રીએ K-9 વજ્ર ટેન્કનો ફ્લેગ ઑફ કરી તેની સવારી કરી હતી. આ સાથે જ 91મી K-9 વજ્ર ટેન્ક દેશ અને ભારતીય સેનાને અર્પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એલ એન્ડ ટી ડિફેન્સ સેના માટે K-9 વજ્ર ટેન્કનું નિર્માણ કરી રહી છે.
