સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક શાળાના બાળકોએ મતદાન જાગૃતિ રેલી યોજી
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી વિધાનસભામાં સમાવિષ્ટ નિનામા, ધાંધલપુર તથા નાગડકા ગામે પ્રાથમિક શાળાના બાળકો દ્વારા મતદાન જાગૃતિ અર્થે રેલીનું આયોજન કરાયું હતું. 'મતદાતા બની મતદાન અચૂક કરીએ', 'મતદાન આપણી પવિત્ર ફરજ છે', 'ચાલો સંકલ્પ લઈએ અવશ્ય મતદાન કરીએ' જેવા ચૂંટણીલક્ષી સૂત્રના બેનરો સાથે ગ્રામજનોને અચૂક મતદાનનો સંદેશો દેશની ભાવિ પેઢીએ આપ્યો હતો.
લોકસભા સામાન્ય ચૂંટણીમાં સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકો વધુમાં વધુ મતદાન થકી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને અને એકપણ મતદાર મત આપ્યા વગર ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપટના માર્ગદર્શન તળે જિલ્લામાં ગત વિધાનસભા ચૂંટણીમાં સ્ત્રી-પુરુષ મતદાનમાં જે વિસ્તારમાં 10 ટકાથી વધુનો તફાવત જોવા મળ્યો હોય તેવા તમામ વિસ્તારોમાં "ચુનાવ પાઠશાળા" રૂપે મતદાન જાગૃતિનો મહાયજ્ઞ ચૂંટણી તંત્ર દ્વારા ચાલી રહ્યો છે. તેમજ સાયલા તાલુકાના કેસરપર અને ધારાડુંગરી ગામે સંકલિત બાળ વિકાસ અધિકારી કૈસર એમ.શેખની ઉપસ્થિતિમાં મહિલા મતદાન વધારવા માટે શેરી મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં મહિલાઓને ચૂંટણી અને મતદાન વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમજ સહપરિવાર મતદાન કરવાના સંકલ્પ લેવડાવામાં આવ્યા હતા.