સૂર્ય ઊર્જાએ બદલ્યું જીવન: PM-KUSUM યોજનાથી ગુજરાતના ગ્રામીણ અર્થતંત્રમાં મોટો ક્રાંતિકારી બદલાવ
Live TV
-
સૂર્ય ઊર્જાએ બદલ્યું જીવન: PM-KUSUM યોજનાથી ગુજરાતના ગ્રામીણ અર્થતંત્રમાં મોટો ક્રાંતિકારી બદલાવ
ગુજરાતના અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારોમાં હવે ખેતી માત્ર ચોમાસા કે વરસાદ પર આધારિત નથી રહી. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ્ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજનાના કારણે નર્મદા, ડાંગ અને તાપી જેવા જિલ્લાઓના ધરતીપુત્રોના જીવનમાં આશાનું નવું કિરણ પ્રગટ્યું છે. સોલાર પંપના કારણે ખેડૂતો હવે રાતના ઉજાગરા અને ડીઝલના મોંઘા ખર્ચમાંથી મુક્ત બન્યા છે.
રાજ્યના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, "PM-KUSUM યોજના ખેડૂતોને ઊર્જા અને જળસુરક્ષા પૂરી પાડવા ઉપરાંત ડીઝલના વપરાશમાં ઘટાડો કરી પર્યાવરણ સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે."
સફળતાની કહાની: જ્યારે સોલાર પંપ બન્યા જીવન બદલવાનું માધ્યમ
રામુભાઈ વાઘમારે (ઉમરપાડા, ડાંગ): એક સમયે માત્ર વરસાદ પર નિર્ભર રામુભાઈને સિંચાઈ માટે રાત્રે ખેતરોમાં જવું પડતું હતું. આજે સોલાર પંપના કારણે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સતત પાણી મળે છે અને તેઓ વર્ષમાં એકથી વધુ પાક લઈ રહ્યા છે.
ગાવજીભાઈ વસાવા (ગવાણ, તાપી): સોલાર પંપની મદદથી હવે તેઓ વર્ષ દરમિયાન પિયત કરી શકે છે. ખેતરમાં ઘાસચારો ઉગાડીને પશુપાલન થકી વધારાની આવક પણ મેળવી રહ્યા છે.
ઈશ્વરભાઈ વસાવા (જૂના મોસદા, નર્મદા): ક્યારેક ખેતીમાં પૂરતી આવક ન મળતા મજૂરી કરવા માટે તેમણે શહેરો તરફ જવું પડતું હતું. આજે તેઓ વર્ષમાં ત્રણ પાક લઈ રહ્યા છે અને પરિવાર આર્થિક રીતે સક્ષમ બન્યો છે.
જાણો, શું છે PM-KUSUM યોજનાના 3 મુખ્ય કમ્પોનન્ટ?
ઊર્જા મંત્રીશ્રીએ યોજનાની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું કે આ યોજના ત્રણ ભાગમાં વહેંચાયેલી છે.
કમ્પોનન્ટ-A: આ હેઠળ 163 મેગાવોટના પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) કરવામાં આવ્યા છે, જેની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.
કમ્પોનન્ટ-B: જંગલ કે અંતરિયાળ વિસ્તારો જ્યાં ગ્રીડ વીજળી ઉપલબ્ધ નથી, ત્યાં ડીઝલ પંપ હટાવીને સ્ટેન્ડ અલોન સોલાર પંપ (7.5 HP સુધીની ક્ષમતા) આપવામાં આવે છે.
કમ્પોનન્ટ-C: આ અંતર્ગત હયાત ખેતીવાડી પંપોનું સોલારાઇઝેશન કરવામાં આવે છે.
આદિજાતિ અને જંગલ વિસ્તારના ખેડૂતો માટે 100% સબસીડી!
રાજ્ય સરકારે વિશેષ ઉદારતા દાખવીને આદિજાતિ અને જંગલ વિસ્તારના ખેડૂતો માટે ખાસ જોગવાઈ કરી છે. આ વિસ્તારોમાં કેન્દ્ર સરકાર તરફથી 30% અને રાજ્ય સરકાર તરફથી 70% સબસીડી આપવામાં આવે છે, એટલે કે ખેડૂતોએ એક પણ રૂપિયો આપવાનો રહેતો નથી! જ્યારે બિન-આદિજાતિ વિસ્તારના ખેડૂતોને પણ માત્ર નજીવો ફિક્સ્ડ ચાર્જ જ ચૂકવવો પડે છે.
સુશાસનનો પ્રભાવ
જ્યારે દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનની 12 વર્ષની યાત્રાની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ગુજરાતના આ આદિવાસી અને અંતરિયાળ ગામોમાં સોલાર પંપ માત્ર એક ટેકનોલોજી નથી, પરંતુ ખેડૂતો માટે વધુ પાક, વધુ આવક અને ગૌરવપૂર્ણ જીવનશૈલીનું પ્રતીક બન્યા છે.
