સોમનાથ ખાતે પર્યટકો માટે સમુદ્ર જીવ દર્શનનાં 300 કરોડ રૂપિયાનાં નવા પ્રોજેક્ટની શરુ થશે તૈયારીઓ
Live TV
-
સોમનાથ ખાતે પર્યટકો માટે ડ્રીમ પ્રોજેક્ટ સમો સમુદ્ર જીવ દર્શનનો 300 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ નવી તૈયારીઓ સાથે આગળ ધપાવાશે. તેમાં માછલીઘરની જેમ સમુદ્ર ગ્લાસની એક વિશાળ ટનલમાં પર્યટકો જઇ શકશે અને દરિયાનાં પાણીમાં તરતા જીવોનું સમુદ્ર જીવ દર્શન કરી શકશે. બાર જયોતિર્લિંગો પૈકીનાં પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ ખાતે આવનાર વર્ષોમાં અનેક વિકાસ કાર્ય હાથ ધરવામાં આવશે. આ અંગે માહિતી આપતાં સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને સચિવ પ્રવીણ લહેરીએ જણાવ્યું કે સોમનાથ મંદીરમાં પર્યટકોને આકર્ષવા માટે આવનાર દિવસોમાં સરકાર તેમજ ખાનગી કંપની અને સોમનાથ ટ્રસ્ટનાં સહયોગ દ્વારા અનેક વિકાસ કાર્ય હાથ ધરવામાં આવશે. ત્યારે સોમનાથમાં પુરાતત્વ વિભાગનાં ડાયરેક્ટર પંકજ શર્મા દ્વારા નિરીક્ષણ કરેલ અને આ સ્થળોનાં સંશોધન અને ખનન માટે મોકલેલી દરખાસ્ત અંગે આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત પાર્કિંગ ડોરમેટરી વચ્ચે થીમ આધારિત કેવ મ્યુઝિયમ બીજા તબક્કે બનશે જેમાં પશુ-પક્ષી, વિવિધ સંપ્રદાય ધર્મ અને બાર જયોતિર્લિંગોનાં ઓડિયો વિઝુઅલ પ્રોજેક્ટ કાર્ય ગતિમાં કરાશે. સોમનાથનાં ત્રિવેણી સંગમથી સ્મશાન ધાટમાં ધાર્મિક વિધિ કર્યા બાદ કે અંતિમ સંસ્કાર કર્યા બાદનો કચરો નદીમાં ન જાય તે માટે ધાટમાં અલગ ચેનલ બનાવવામાં આવશે અને શુધ્ધિકરણ પ્લાન્ટ સ્થાપી નદીનું પાણી સ્વચ્છ અને પ્રદુષણ મુક્ત બનાવાશે. તેમણે વધુમાં કહ્યું કે સોમનાથનાં ત્રિવેણી ધાટને નરસિંહ ધાટ સુધી લંબાવી રળીયામણો બનશે અને સામે કાંઠે પણ રામેશ્વર મંદિરથી સંત કુટીર સુધી ઘાટ બનશે. ત્રિવેણી દેહોત્સર્ગથી સામે કાંઠે કેબલ બ્રિજ વોટર સ્પોર્ટસ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ સાથે ધાટને સુશોભિત કરાશે. સોમનાથ એસ.ટી ડેપોનું રેલ્વે સ્ટેશન સામે સ્થળાંતર કરી ત્યાં નવું બસ સ્ટેન્ડ બનવવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ આગામી દિવસોમાં પાર્વતી મંદિર નિર્માણ યાત્રિક પ્લાઝા તેમજ શહિદ હમીરજી ગોહિલ સર્કલ સુધી સીધી લીટીમાં સોમનાથ મંદિર જોઇ શકાય એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
