સોમવતી અમાસઃ સોમનાથ ત્રિવેણી સંગમે ભાવિકો પિતૃતર્પણ માટે ઉમટ્યાં
Live TV
-
પિતૃ તર્પણ માટે ઉત્તમ અને પવિત્ર ગણાતા ચૈત્ર મહિનાના અંતિમ દિવસ આવ્યો સુભગ યોગ એટલે આજની સોમવતી અમાસ.
પિતૃ તર્પણ માટે ઉત્તમ અને પવિત્ર ગણાતા ચૈત્ર મહિનાના અંતિમ દિવસ આવ્યો સુભગ યોગ એટલે આજની સોમવતી અમાસ. આજે વર્ષ 2018ની છેલ્લી સોમવતી અમાસ છે. સવારના સમયે અમાસનો પુણ્ય કાળ હોવાના કારણે સોમનાથમાં ત્રિવેણી તટે બહોળી સંખ્યામાં ભાવિકો પિતૃતર્પણ માટે ઉમટી પડ્યા હતા. સોમવતી અમાસના દિવસે પિતૃઓનું તર્પણ કરવું શુભ મનાય છે, તેથી આજે ભાવિકોએ પિતૃકાર્ય કરાવી પીપળાને પાણી રેડી ઘન્યતા અનુભવી હતી.
આજે ચૈત્રી અમાસના દિવસે સોમનાથ ત્રિવેણી સંગમે ભાવિકોનો પ્રવાહ પિતૃ તર્પણ માટે ઉમટ્યો હતો. અહીં ત્રિવેણી સંગમ તટે ત્રણ પવિત્ર નદીઓ હીરણ, કપિલા અને સરસ્વતીનો સંગમ થાય છે. કહેવાય છે કે, ભગવાન શ્રીકૃષ્ણે પણ અહીં જ પોતાના પિતૃઓનાં મોક્ષ હેતુ તર્પણ કરાવ્યું હતું અને ભગવાન પોતે પણ અહીંથી જ સ્વધામ ગયા હતા.
ત્રિવેણી સંગમ તટે તીર્થ સ્નાન કરી પિતૃ તર્પણ કરવાથી તમામ સદગત પિતૃઓનો મોક્ષ થાય છે, તેવું શ્રીમદ ભાગવતમાં પણ ભગવાને કહ્યું છે. યોગાનુયોગે આજે સોમવતી અમાસને લઈને હજારો ભાવિકોએ તીર્થસ્નાન કરી પોતાના પિતૃઓ માટે તર્પણ કરી પીપળા ને પાણી પીવડાવી, પૂજન કરી સાથે પોતાના પૂર્વજોની મોક્ષગતિ માટે વિદ્વાન બ્રાહ્મણો પાસે વિધિ કરાવી શાંતિ અનુભવી હતી.
ચૈત્ર માસ પિતૃ કાર્ય માટે શાસ્ત્રોએ ઉત્તમ માસ ગણાવ્યો છે. એમાં પણ ચૈત્ર માસ દરમિયાન સોમવતી અમાસ આવતી હોય તો પિતૃ તર્પણ માટે અતિ ઉત્તમ છે. સ્થાનિક તીર્થ પુરોહિતના જણાવ્યા અનુસાર આજના દિવસે વિવિધ પિતૃ કાર્ય કરવાથી તમામ પિતૃઓ મોક્ષગતી પામે છે. ભગવાનનાં ધામમાં તેઓનો વાસ થાય છે. પિતૃઓ સંતુષ્ટ થવાથી આશીર્વાદ આપે છે અને યજમાનની મનોકામના પૂર્ણ થાય છે.