સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે,પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું યલ્લો એલર્ટ જાહેર
Live TV
-
ગુજરાતમાં ઠંડીની મોડી શરૂઆત થઈ પણ હવે ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં ઠંડીના પ્રમાણમાં વધઘટ નોંધાઈ રહી છે. ક્યાંક તાપમાનનો પારો નીચે ગગડતો જાય છે ને ઠંડી તેના જૂના રેકોર્ડ પણ તોડી રહી છે, તો ક્યાંક ઠંડીનું પ્રમાણ એકદમ નહિવત છે.
હાલ ઉત્તર ભારતમાં સ્થિત કાશ્મીર અને હિમાચલ પ્રદેશથી ઠંડા પવન ગુજરાત તરફ આવી રહ્યા છે, જે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ હજુ પણ વધશે એવો નિર્દેશ આપી રહ્યા છે. સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉતર ભારતના ભાગોમાં ઠંડી અને હિમવર્ષાનું પ્રમાણ પણ આ વર્ષે સારી માત્રામાં રહ્યું છે. બીજી તરફ રાજસ્થાન અને પાકિસ્તાનમાં વાતાવરણના ઉપલા સ્તરમાં એન્ટિ સાઈસર રચાયું છે, જેના કારણે વાતાવરણમાંથી ભેજનું પ્રમાણ ખેંચાઈ રહ્યું છે, જેની અસર કચ્છ સુધી પણ પહોંચી છે.
આ એન્ટિ સાઈસરની અસરના કારણે જ કચ્છમાં તાપમાનનું પ્રમાણ વધ્યું છે અને ઠંડીનું જોર ઘટ્યું છે.
ગુજરાતનાં હવામાન વિભાગે સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાઓમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી હતી અને તેમાં પણ રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવ સાથે ઠંડીનું યલો એલર્ટ જાહેર કર્યું હતું. તદુપરાંત ઉત્તર અને મધ્યમ ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુતમ તાપમાનમાં એકથી બે ડિગ્રી વધારો થશે. જોકે, કચ્છમાં આગામી સમયમાં ઠંડીનું જોર ઘટશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.ગતરોજ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન પોરબંદરમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ગતરોજ સૌરાષ્ટ્રના પોરબંદરમાં સામાન્ય લઘુત્તમ તાપમાન કરતા 4.9 ડિગ્રી સેલ્સિયસ ઓછું લઘુત્તમ તાપમાન નોંધાવ્યું હતું. તથા પોરબંદરમાં ગત રાત્રિ દરમિયાન આ વર્ષનું સૌથી ઓછું 10.9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તો રાજ્યમાં સૌથી ઓછું 5.7 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન ગત રાત્રિના નલિયામાં નોંધાયું હતું.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના ચાર મહાનગરોમાં ફક્ત રાજકોટમાં સૌથી વધુ ઠંડીનું પ્રમાણ રહ્યું હતું.
રાજકોટમાં છેલ્લા 24 કલાક દરમિયાન 10.8 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 14.9 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 13.8 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 15.3 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ગતરાત્રિ દરમિયાન ફક્ત કચ્છના નલિયામાં 10 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી કે તેનાથી વધુ નોંધાયું હતું.જોકે, આ એન્ટિ સાઈસરની અસર ઉત્તર ભારતને થઈ નથી. ઉત્તર ભારતના ઠંડા પવનો સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યા છે, જેથી સૌરાષ્ટ્રના જિલ્લાઓના લઘુતમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. આ ઉપરાંત પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું યલ્લો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.