સ્ટાર્ટ અપ અને સ્કીલ ઇન્ડિયા યોજનાઓને યુવાનો સાકાર કરે : સુરેશ પ્રભુ
Live TV
-
એનઆઇડી દ્વારા તૈયાર થયેલ રેલવેકોચની ડીઝાઇનની પ્રશંસા કરી એરપોર્ટ કર્મચારીઓ માટે શ્રેષ્ઠ ગણવેશ ડિઝાઇન તૈયાર કરવા એનઆઇડીને આહવાન કરતા સુરેશ પ્રભુ, MSME રિસર્ચ બ્લોકનું કર્યું ખાતમુહૂર્ત, કોફી ટેબલ બૂકનું વિમોચન કર્યું
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી સુરેશ પ્રભુએ આજે ઉદ્યોગ સાહસિકોને જણાવ્યું હતું કે, જો કોઈ સ્ટાર્ટ અપને સફળ બનાવવું હોય તો બજારમાં ગેપ(અવકાશ) ક્યા છે તે શોધવું જોઈએ અને તેની આસપાસ વેપાર મોડલ તૈયાર કરવું જોઈએ. તેમણે ગાંધીનગરના ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન ખાતે વાર્ષિક ઉદ્યમિતા ફેસ્ટ - એમ્પેસરીયો સ્ટાર્ટ અપ સમિટ 2018ને સંબોધન કરી રહ્યા હતા.
ઉદ્યોગમંત્રીએ જણાવ્યું હતું કે, શરુ થનાર દરેક સ્ટાર્ટ અપ ટકી ન શકે. પરંતુ બજારની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને, જે ક્ષેત્ર હજુ વણખેડાયેલું હોય, એવા ક્ષેત્રમાં સ્ટાર્ટ અપ સફળ થવાની સંભાવના વધી જાય છે. તેમણે એમ પણ કહ્યું કે, EDII ને પણ કોઈ સ્ટાર્ટ અપ સફળ કે નિષ્ફળ કેમ થાય છે તે અંગે એક વિગતવારનો અભ્યાસ હાથ ધરવા જણાવ્યું હતું. આ પ્રસંગે MSME રીસર્ચ બ્લોકનું ખાતમુહુર્ત કર્યું હતું તથા EDII ના વિદ્યાર્થીઓની સફળતા વર્ણવતી કોફી ટેબલ બુક અને ગ્લોબલ આન્ત્રપ્રીન્યોરશીપ મોનીટર (GEM) ઇન્ડિયા રીપોર્ટ 2016-17 નું વિમોચન કર્યું હતું.
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી સુરેશ પ્રભુએ ગુજસેક દ્વારા ચલાવાતી સ્ટાર્ટઅપ ઇનોવેશન કન્સલ્ટન્સી પોલીસી લોન્ચ કરી હતી. ન્યૂ ઇન્ડિયા બનાવવા માટે સ્ટાર્ટઅપ અને સ્કીલ ઇન્ડિયા જેવી મહત્વની યોજનાઓને સાકાર કરવા યુવાનોને કોલેજકાળથી સમજણ આપવામાં આવે છે. પ્રધાનમંત્રીના સ્ટાર્ટઅપના આઇડીયાને કારણે હાલ 20 હજાર જેટલા સ્ટાર્ટઅપ કાર્ય કરી રહ્યા છે. આ કાર્યક્રમ દરમ્યાન સ્ટાર્ટઅપ રત્ન એવોર્ડથી કેટલાક વિદ્યાર્થીઓને નવાજવામાં આવ્યા હતાં.