હિટ વેવ : સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્, કંડલામાં સૌથી વધુ 42.7 ડિગ્રી તાપમાન
Live TV
-
ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળતા રસ્તાઓ સુમસાન બન્યા છે. રાજ્યમાં હિટ વેવને કારણે ગરમીનો પારો ઉંચકાતા મોટા ભાગના શહેરોનું તાપમાન 40ને પાર પહોંચ્યું છે.
રાજ્યમાં આકાશમાંથી આગના ગોળા વરસતા હોય તેવી વિષમ સ્થિતિ વચ્ચે ગરમીનો પારો ઉંચકાતા લોકોને ઉનાળો આકરો લાગવા માંડ્યો છે. ગરમીમાંથી રાહત મળે તેવા હજુ કોઇ અણસાર નથી, ત્યારે ઉનાળો વધુ આકરો બની રહ્યો છે. લોકો અત્યારે કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, તો ગરમીથી છુટકારો મેળવવા ઠંડા પીણાનો સહારો લઇ રહ્યા છે. બપોર બાદ માર્ગો સૂમસામ ભાસી રહ્યા છે, તો સાંજ પડતાં જ લોકો બરફગોળા, તરબૂચ, આઇસક્રીમ ખાવા નીકળી પડે છે. ગઇકાલે સૌથી વધુ 42.7 ડિગ્રી તાપમાન, કંડલા એરપોર્ટ વિસ્તારમાં નોંધાયું હતું. તો સુરેન્દ્રનગર પણ 42.3 ડિગ્રી સાથે ગરમી વરસાવતું હતું. તો રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો હતો. જેમાં ડીસા, ગાંધીનગર , ઇડરમાં 41 ડિગ્રી, અમદાવાદમાં 40.8 ડિગ્રી, વડોદરા અને ભુજમં 39.6 ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું.
ગરમીના પ્રકોપની અસર ટુરિસ્ટ પ્લેસ તરીકે જગવિખ્યાત દીવમાં પણ જોવા મળી રહી છે. આમ તો દરિયા કિનારાના વિસ્તારમાં ઉનાળામાં પણ મહત્તમ તાપમાન 33 થી 36 ડિગ્રી રહે છે પરંતુ છેલ્લા 3 દિવસ થી દરિયા કાંઠાના વિસ્તાર માં પણ હિટવેવ ચાલી રહ્યું છે. રજાના સમયે દીવમાં પગ મુકવાની જગ્યા ના હોય, તેનાં બદલે રસ્તા અને બીચ સૂમસામ જોવા મળતા હતા. વધુ પડતા તાપમાન ી સ્થાનિક લોકો પણ અકળામણ અનુભવી રહ્યા છે.
ગરમીનો પારો જૂનાગઢમાં 36 અંશ માંથી ઉછળી 41 કે 42 અંશ સેલ્સીયસ જેટલો નોંધાતા જૂનાગઢ નગરપાલિકાએ હિટવેવ અને સનસ્ટ્રોકથી બચવા જનજાગૃતિ માટે લોકોને એલર્ટ કર્યા અને ગરમીથી બચવા વધુ પાણી લેવા જણાવ્યું . રસ ,શરબત, રસીલા ફળો ખાવા તેમજ શક્ય હોય તો બપોરના સમયે ઘર કે ઓફિસેથી બહાર નીકળતા ટોપી , ચશ્મા, સુતરાઉ વસ્ત્રો પહેરવા ઉપર ભાર મૂક્યો હતો.
આ વખતે માર્ચ મહિનાના અંતથી જ ગરમીનો પારો ઉંચો ગયો છે. દરિયાકાંઠાના વિસ્તારમાં તાપમાન વધુ રહેતું નથી, પરંતુ આ વખતે દરિયાકાંઠે પણ આ તાપમાન વધુ રહ્યું હતું. તો ગરમીથી બચવા જુદાજુદા નુસ્ખાઓ પણ લોકો અજમાવી રહ્યા છે.