100થી વધુ દેશોએ પરંપરાગત સ્વાસ્થ્ય ચિકિત્સા પદ્ધતિઓનું કર્યું સામૂહિક ચિંતન
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, સમગ્ર માનવજાતને વધુ સુરક્ષિત કરવા માટે આયુર્વેદ, યુનાની, હોમિયોપેથીક જેવી પારંપારિક ચિકિત્સા પદ્ધતિઓ જ અત્યંત મહત્ત્વની પૂરવાર થઇ રહી છે ત્યારે, આયુષ પદ્ધતિથી સારવારનો વ્યાપ વધારવો એ આજના સમયની તાતી જરૂરિયાત છે. મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયેલ ત્રિદિવસીય ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ-2022ના સમાપન સમારોહમાં રાજ્યપાલએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના અધ્યાત્મવાદને જાણ્યો છે અને તેને જીવનમાં અપનાવ્યો છે. એટલા માટે જ પારંપારિક ચિકિત્સા પદ્ધતિઓ દ્વારા માનવજાતને વધુ સુરક્ષિત કરવા માટે અલાયદા આયુષ મંત્રાલયની રચના કરી છે.
તેમણે ઉમેર્યુ કે પ્રધાનમંત્રીના વિચારો સીમિત નહીં પણ વ્યાપક છે. ઋષિમુનિઓ દ્વારા જડીબુટ્ટીઓ થકી અપાતી સારવારને પ્રવર્તમાન યુગમાં ઉપયોગી થાય એ માટે આયુષ ક્ષેત્રને પ્રાધાન્ય આપ્યું છે. કોરોનાના કપરા કાળમાં ભારતમાં સીમિત ચિકિત્સા પદ્ધતિઓ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર હોવા છતાં પણ દેશભરના નાગરિકોને સુરક્ષિત રાખ્યા છે એટલું જ નહીં, વિશ્વભરના દેશોને આપણે દવાઓ સહિતની સામગ્રી પૂરી પાડી શક્યા છીએ જે પ્રધાનમંત્રી મોદીની દૂરંદેશીતાના પરિણામે શક્ય બન્યું છે.
રાજ્યપાલએ ઉમેર્યુ કે આયુષ ચિકિત્સા પદ્ધતિનો વ્યાપ વધારીને પ્રધાનમંત્રીએ ભારતની આ પદ્ધતિને વૈશ્વિકસ્તરે નામના અપાવી છે જેના પરિણામે વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું નિર્માણ WHO દ્વારા ભારત દેશના ગુજરાતમાં સ્થાપવાનો નિર્ણય કરાયો છે જે સમગ્ર માનવજાતને ઉપયોગી નીવડશે. તેમણે ઉમેર્યું કે આપણા ઋષિમુનિઓએ જે જડીબુટ્ટીથી સારવાર આપી એ જડીબુટ્ટીઓના ગુણધર્મો છે એ આજે પણ એના એ જ છે એમાં વધારો કે ઘટાડો કરી શકાતો નથી. એ એક પ્રકારનું રિસર્ચ જ છે. જામનગર ખાતે સ્થપાનાર આ સેન્ટરમાં જે સંશોધનો થશે તે સમગ્ર વિશ્વ માટે ફળદાયી નીવડશે. વડાપ્રધાનશ્રી દ્વારા ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું આયોજન કરાયું છે એ સમગ્ર વિશ્વની પ્રથમ ઘટના છે. આ સમિટમાં 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ, તજજ્ઞો અને ચિકિત્સકોએ પરંપરાગત સ્વાસ્થ્ય ચિકિત્સા પદ્ધતિઓ અંગે વિચાર મંથન કર્યું છે અને આ ક્ષેત્રે થનારી નવી નવી પદ્ધતિઓના સંશોધનો માટે ચર્ચાઓ કરી છે જે આગામી સમયમાં સમગ્ર વિશ્વ માટે આશીર્વાદરૂપ નીવડશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
રાજ્યપાલએ કહ્યું કે એ માનવીને થતા રોગોના નિદાન માટે વપરાતી એલોપેથી દવાઓ રોગને રોકે છે પરંતુ આયુર્વેદ દ્વારા અપાતી સારવાર રોગને જડમૂળથી નાબૂદ કરે છે. આયુર્વેદ પંચકર્મ દ્વારા અપાતી સારવાર એ શ્રેષ્ઠ ઉદાહરણ છે. સમિટના સમાપન સમારોહમાં રાજ્યપાલના હસ્તે આયુષ શેફ કમ્પિટિશનના ૬ વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે આ સમિટની સફળતા બદલ સૌનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક ખેતી તરફ વળવા જે પ્રયાસો કરવામાં આવે છે તે જન જીવન તેમજ પ્રકૃતિ માટે ખુબજ મહત્વ ધરાવે છે. મંત્રીએ જામનગરમાં વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સ્થાપવા તેમજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ-૨૦૨૨નું ઉદ્ઘાટન કર્યું તે બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આજે આયુષ પ્રસિદ્ધ માઈલસ્ટોન તરીકે ઉભરી રહ્યું છે. આજના સમયમાં આયુષ માટેની માંગ આ કાર્યક્રમની સફળતાથી આપણે અનુભવી શકીએ છીએ. આવનારા સમયમાં ઇ-માર્કેટથી આપણે વિશ્વસ્તરીય માર્કેટમા સ્થાન પ્રાપ્ત કરીશુ. મંત્રીએ વધુમા જણાવ્યું કે, પ્રધાનમંત્રી મોદીની આયુષ વિઝા કેટેગરી શરૂ કરવાની જાહેરાતથી હેલ્થ ટુરિઝમ ક્ષેત્રે "Come Heal in India" મંત્ર સાકાર થશે. આ કાર્યક્રમની સફળતા માત્ર ગુજરાત જ નહીં સમગ્ર ભારતની સફળતા છે. આયુષ મંત્રાલયના ઈતિહાસમાં પ્રથમ વખત આવી સમિટનું આયોજન થયું છે તેને અદભૂત પ્રતિસાદ મળ્યો તે બદલ મંત્રીએ સૌ રોકાણકારો, સંશોધકો અને આયુષ ક્ષેત્રે રસ ધરાવતા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમિટ થકી લાખો રોજગારીની તકો ઉભી થઇ છે. ભારત સરકાર તેના વચનબદ્ધ રોકાણને વિસ્તારવા માટે સક્ષમ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે આ ત્રિદિવસીય આયુષ સમિટ એક ઊર્જાનું કેન્દ્ર સાબિત થઇ છે. પ્રધાનમંત્રીશ્રી મોદી દ્વારા આયુષ ક્ષેત્રને આપવામાં આવેલા વિશેષ પ્રાધાન્યને પરિણામે વર્ષ 2014માં 3 બિલિયન ડોલરનું આયુષ બજાર આજે 18 બિલિયન ડોલર એટલે કે રૂ.22 હજાર કરોડથી વધીને રૂ.1.35 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. જે 75 ટકાનો ગ્રોથ દર્શાવે છે. આયુષ સમિટનાં ફળરૂપે આગામી સમયમાં આ ક્ષેત્રે અંદાજે 5.5 લાખ લોકોને રોજગારીની ઉપલબ્ધ થવાની સંભાવના છે. મંત્રીએ ગૌરવ સાથે જણાવ્યું હતું કે કોવિડ-19 જેવી વિકટ પરિસ્થિતિમાં પણ ભારતીય ઇકોનોમીએ અભૂતપૂર્વ વૃદ્ધિ હાંસલ કરી છે. વિશ્વ જ્યારે કોવિડ સામે લડતું હતું ત્યારે છેલ્લા બે વર્ષમાં ભારતના 47 સ્ટાર્ટઅપે યુનિકોર્ન ક્લબમાં સ્થાન મેળવ્યુ છે. જ્યારે વર્ષ 2022ના પ્રારંભમાં વધુ 14 સ્ટાર્ટઅપનો યુનિકોર્ન ક્લબમાં સમાવેશ થયો છે જે આપણા માટે ગૌરવ સમાન છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
મંત્રીએ કહ્યું હતું કે આયુષ સમિટમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા જાહેર કરાયેલા આયુષ પાર્ક, આયુષ માર્ક તેમજ આયુષ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવનાર ઇ-માર્કેટ પ્લેસ આયુષ પ્રોડક્ટસ્ જે વૈશ્વિક ઓળખ અપાવી નવી દિશા આપશે. આયુષ મંત્રાલય અને WHOના સહયોગથી ગુજરાતના જામનગરમાં શરૂ થનાર પ્રથમ- એકમાત્ર ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન ભારતને પરંપરાગત દવાના સંશોધન ક્ષેત્રે વૈશ્વિક ઓળખ અપાવશે. ભારતે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ‘’One Earth, One Health’’ પર કામ કરવાનું છે. જે ભારતમાં શરૂ થનાર GCTM દ્વારા સાકાર થશે. આપણે આયુષ મારફતે ‘‘હિલ ઇન ઇન્ડીયા’’નો મેસેજ વિશ્વભરમાં પહોંચાડવાનો છે.
મંત્રીએ યુવાઓને આહૃવાન કર્યુ હતું કે આઝાદીના અમૃતકાળ બાદ આગામી 25 વર્ષમાં ભારતને વિશ્વગુરૂ બનાવવાનો છે તેમાં આયુષની ભૂમિકા ખૂબજ મહત્વની સાબિત થશે. વિશ્વ યોગ દિવસની ઉજવણીની જેમ આગામી સમયમાં વિશ્વ આયુષ દિવસ ઉજવાય તેવા આપણે સંયુક્ત પ્રયાસો કરવા પડશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી મહેન્દ્ર મુંજપરાએ આ ત્રિ-દિવસીય કાર્યક્રમની સફળતાનો ગર્વ વ્યક્ત કરતા કહ્યું કે, આયુષના ઈતિહાસમાં આયુષ ક્ષેત્રે કુલ રૂ.9000 કરોડથી વધુનું રોકાણ પ્રાપ્ત થયું છે તેમાં સૌ રોકાણકારોની સક્રિય ભાગીદારી રહી છે. આ આયુષ સમિટ થકી અંદાજે 5.50 લાખ રોજગારીની તકો ઉભી થવાની સંભાવના છે. આ સમિટમા વિવિધ દેશોની ભાગીદારી પણ જોવા મળી જે પ્રશંસનીય બાબત છે તેમ તેમણે ઉમેર્યું હતું. કેન્દ્રીય પ્રવાસન રાજ્યમંત્રી શ્રીપાદ નાયકે જણાવ્યું હતું કે, આયુર્વેદ એ દેશનું હરિત ગોલ્ડ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારત વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે, જેમાં આયુષ ક્ષેત્રોનો વિકાસ ખૂબ મહત્વની ભૂમિકા અને બળ પૂરું પાડશે તેવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
તેમણે વિશ્વકક્ષાએ આયુર્વેદિક દવાનું વેચાણ માટે બજાર ઊભું થાય તે દિશામાં સુચારું આયોજન કરવાની વાત પર ભાર મૂક્યો હતો. આયુષ ચિકિત્સા પદ્ધતિના વિકાસ માટે પ્રધાનમંત્રીએ સૂચવેલ આયુષ વીઝાનો વિચાર આગામી સમયમાં ઘણો ફળદાયી બનશે. આયુષ મંત્રાલયના સચિવ વૈધ રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે, દેશમાં આયુષના વિકાસ માટે પ્રથમવાર આયુષ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટ થકી આયુષ ક્ષેત્રે નવી દિશા મળશે. આ સમિટની સફળતા થકી હવેથી દર બે વર્ષે આયુષ મંત્રાલય દ્વારા આ પ્રકારની સમિટ યોજવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આયુષ માર્ક, પાર્ક અને વિઝાની વાત કરી છે, જેના થકી આયુષ વિકાસ ક્ષેત્રને બહુઆયામી લાભ થશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આ સમિટમાં યુવાધન મોટી સંખ્યામાં સહભાગી બન્યો છે, તે વાત આનંદની છે. આયુષ સ્ટાર્ટઅપની સાથે ફૂડ ઇનોવેશન અને આઈટી સેક્ટરમાં યુવાનોએ ભારે રસ દાખવ્યો છે. આ સમીટમાં પાંચ દેશો સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં રૂ.9000 કરોડ જેટલું મૂડી રોકાણ આ ક્ષેત્રમાં થશે. ઔષધી ખેતીની માત્રા વધારવા કિસાન સંગઠનો સાથે પણ એમઓયુ કરવામાં આવ્યા છે. સમિટ થકી આયુષ આહાર સાથે નવીન વાતો પણ સામે આવી છે. આ સમિટમાં આયુષ્યના વિવિધ વિકાસ પર તજજ્ઞો દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા છે. કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયના સ્પેશિયલ સચિવ પ્રમોદ પાઠકે ઞ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમીટના સમાપન સમારોહમાં સ્વાગત પ્રવચન કરતા કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત આયોજન હેઠળ આયુષ ક્ષેત્રે નવા નવા ઈનોવેશન દ્વારા માનવજાતને સહાયરૂપ થવા માટે આ સમિટ મહત્વની સાબિત થશે. આ સમીટમા વિવિધ નિષ્ણાંતો દ્વારા વિચાર મંથન થયુ છે એટલુ જ નહી સંશોધનોના આદાન-પ્રદાન થકી આયુષ ક્ષેત્રના વિકાસ માટે જે ચર્ચાઓ થઈ છે તે આગામી સમયમાં ભારતને વૈશ્વિક ઓળખ અપાવશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
ITRA જામનગરના ડાયરેક્ટર ડૉ. અનુપ ઠાકરે ત્રિદિવસીય આયુષ સમિટનો ટૂંકસાર આપતા જણાવ્યું હતું કે આ સમિટમાં 9 રાઉન્ડ ટેબલ્સ, 5 પ્લેનરી સેશન્સ, 2 સિમ્પોઝિયમ, 6 વર્કશોપ્સ, 100 થી વધુ એક્ઝિબિટર્સ અને 90 થી વધુ પ્રતિષ્ઠિત વક્તાઓએ પોતાના વિચારો રજૂ કરીને આયુષના વિકાસને નવી રાહ આપી છે. તેમણે કહ્યું હતું કે આશરે 5.5 લાખ રોજગારીની તકો ઉભી થશે. અંદાજીત 76 લાખથી વધુ લોકોના જીવન પર સકારાત્મક અસર પડી છે. આ ત્રિ-દિવસીય સમિટમા આશરે 70થી પણ વધુના એમ.ઓ.યુ કરવામાં આવ્યા છે. આ સમિટની સફળતાના પરિણામે કુલ આશરે રૂ.9000 કરોડથી પણ વધુના રોકાણ આયુષ ક્ષેત્રે થવા પામ્યા છે. આ પ્રસંગે આયુષ મંત્રાલયના સંયુક્ત સચિવ કવિતા ગર્ગે આભારવિધિ કરી હતી. આ સમિટમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યો-દેશોના 25,000થી વધુ આયુષ પ્રેમીઓ, રોકાણકારો, સંશોધકો, વિદ્યાર્થીઓ અને તજજ્ઞોએ ભાગ લીધો હતો.
