13 ઓકટોબરે 'વાયબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ખેડા'ની પ્રિ-વાઈબ્રન્ટ સમિટનું આયોજન
Live TV
-
જાન્યુઆરી-2024માં યોજાનારી 'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ' અંતર્ગત રાજ્યભરમાં સરકાર દ્વારા 'વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ખેડા જિલ્લામાં 13 ઓક્ટોબરે 'વાયબ્રન્ટ ગુજરાત- વાયબ્રન્ટ ખેડા'ની પ્રિ-વાયબ્રન્ટ સમિટનું આયોજન કરાશે. 13 ઓકટોબરના રોજ નડિયાદના ઈપ્કોવાલા હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જિલ્લા પ્રભારી મંત્રી તેમજ ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં 'વાયબ્રન્ટ ગુજરાત- વાયબ્રન્ટ ખેડા' સમિટ યોજાવા જઈ રહી છે. આ સમિટમાં કેન્દ્રીય રાજ્યકક્ષા સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ ઉપસ્થિતિ રહેશે. રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટની આગામી સમિટમાં ખેડા જિલ્લાના ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય તેવા ઉદ્દેશથી આ એક દિવસીય કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 10થી 12 જાન્યુઆરી દરમિયાન 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નું આયોજન કરાયું છે. આ વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે રાજ્યના દરેક જિલ્લામાં પ્રિ-વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવશે.
