16 વર્ષના પેરા એથ્લીટ પવન કુમારની ફિલ્મ સ્ક્રિપ્ટને સુપરફેસ્ટની મંજૂરી
Live TV
-
SAI, NCoE, ગાંધીનગરના 16 વર્ષીય તાલીમાર્થી પેરા-એથ્લીટ અને રાષ્ટ્રીય સ્તરના મેડલ વિજેતા પવન કુમાર હવે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પણ પગલું ભરી રહ્યા છે.
તેમની ફિલ્મના પ્રસ્તાવને આ મહિનાની શરૂઆતમાં પ્રતિષ્ઠિત ‘સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલ’ની સંચાલક સમિતિએ મંજૂરી આપી છે. ફિલ્મનું 2028માં મહોત્સવમાં પ્રદર્શન થવાનું નિર્ધારિત છે.પવન દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે સમાજમાં આદર, ગરિમા અને વિશ્વાસની ભાવના વિકસે તે હેતુથી ફિલ્મ બનાવવા માગે છે. હાલમાં તેઓ ફિલ્મના પટકથા લેખન સાથે નિર્માતા અને આર્થિક સહાયની શોધમાં છે.આંધ્ર પ્રદેશના એલુરુ જિલ્લાના પવનને ચાર વર્ષની ઉંમરે વીજળીનો ગંભીર આંચકો લાગ્યો હતો, જેના કારણે તેમનો જમણો હાથ કાપવો પડ્યો હતો અને ખોપરીમાં થયેલી ઈજાને કારણે પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી હતી. જોકે, આ પડકારો તેમની પ્રગતિમાં અવરોધ બન્યા નહીં.છઠ્ઠા ધોરણમાં તેમના શારીરિક શિક્ષણના શિક્ષક મલ્લાય્યા સરે તેમની રમતગમતની પ્રતિભા ઓળખી અને તાલીમ માટે પ્રોત્સાહિત કર્યા. છ મહિનાની તાલીમ બાદ તેમણે પેરા-એથ્લેટિક્સમાં રાજ્ય કક્ષાનો બ્રોન્ઝ મેડલ જીત્યો. ત્યારબાદ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં સતત મેડલ જીત્યા. ઓગસ્ટ 2025માં વિશાખાપટ્ટનમ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં તેમણે ત્રણ સુવર્ણ ચંદ્રકો જીત્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએ બે સિલ્વર મેડલ પણ મેળવ્યા.
ફિલ્મ નિર્માણમાં રસ અંગે પવને જણાવ્યું કે તેમણે દસમા ધોરણમાં ફિલ્મ મેકિંગ વિષય પસંદ કર્યો હતો. ત્યારથી દાદાસાહેબ ફાળકે, સત્યજીત રે અને મલયાલમ સિનેમા વિશે અભ્યાસ કર્યો છે. સાથે તેઓ CA રેડ્ડી કોલેજ, એલુરુમાં BA LLB અને BA પબ્લિક પોલિસીનો અભ્યાસ કરી રહ્યા છે.પવન સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને રમતગમત બંને ક્ષેત્રે દિવ્યાંગ યુવાનોને આગળ વધવા પ્રોત્સાહિત કરે છે. તેમનું માનવું છે કે ધીરજપૂર્વક પોતાની ક્ષમતા અને કૌશલ્ય વિકસાવવાથી સફળતા ચોક્કસ મળી શકે છે.
