2 લાખ કરોડનું ગુજરાત બજેટ, જાણો બજેટની તમામ મહત્વની જાહેરાતો અંગે
Live TV
-
ગુજરાત બજેટઃ સૌ પ્રથમ વખત સરકારે રજૂ કર્યું 2 લાખ 4હજાર 815 કરોડનું બજેટ
આજથી શરૂ થયેલા વિધાનસભાના ચોમાસુ સત્રમાં નાણામંત્રી નીતિન પટેલે નાણાંકીય વર્ષ 2019-20નું સંપૂર્ણ બજેટ રજૂ કરી રહ્યા છે. નાણાં મંત્રી નીતિન પટેલે આજે 2 લાખ 4 હજાર 815 કરોડનું બજેટ રજૂ કર્યું છે. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે, અમારી સરકાર માત્ર સુત્રો આપવામાં જ નહિ પરંતુ યોજના બનાવવામાં તથા તેને ફળીભૂત કરવામાં વિશ્વાસ રાખે છે. અંદાજપત્રમાં મહત્વના પાંચ ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં પાણીદાર ગુજરાત, ગ્રીન એન્ડ ક્લીન એનર્જી, પર્યાવરણના જતન સાથે વિકાસ, જગતના તાતની પડખે સરકાર અને હર હાથ કો કામ જેવા મુદ્દા સામેલ છે.
શિક્ષણના વિકાસ માટે 30 હજારની જોગવાઈ
રાજ્ય સરકારે શિક્ષણના સર્વગ્રાહી વિકાસ માટે રૂપિયા 30 હજાર કરોડની ફાળવણી કરી છે...તેમજ નવા 5 હજાર વર્ગખંડો માટે 454 કરોડ દૂધ સંજીવની અને અન્ન ત્રિવેણી યોજના માટે 1015 કરોડ, બાળકોની ફી, યુનિફોર્મ, બૂટ, સ્કૂલ બેગ માટે 341 કરોડ, વર્ચ્યુઅલ ક્લાસરૂમ માટે 103 કરોડ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 370 કરોડ, સરકારી કોલેજ, યુનિવર્સિટી ભવન માટે 206 કરોડ અને કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટ આપવા માટે 252 કરોડની ફાળવણી કરવામાં આવી છે.જળ સંપત્તિ માટે વિવિધ જોગવાઈ
નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલા અંદાજ પત્રમાં રાજ્ય સરકારે બંધ જાળવણી, નહેર માળખા સુધારણા, સહભાગી સિંચાઇ યોજના જેવા જળ સંપત્તિના કામ માટે રૂપિયા 7,157 કરોડની ફાળવણી કરી છે. જ્યારે સૌની યોજનાના ત્રીજા તબક્કાના 2,258 કરોડના કામ હાલ પ્રગતિમાં છે. જેના માટે રૂ.1880 કરોડની જોગવાઇ કરી છે.તેમજ થરાદથી સીપુ ડેમ પાઇપ લાઇન માટે 100 કરોડ ફાળવ્યા છે. જેનો 6000 ગામોને લાભ મળશે. આદિજાતિ વિસ્તારોમાં સિંચાઇ માટે 962 કરોડ, તાપી-કરજણ લીક પાઇપલાઇન માટે 720 કરોડ, અંબિકા નદી પર રીચાર્જ પ્રોજેકટ માટે 372 કરોડની જોગવાઈ કરી છે. તેમજ સુરત જિલ્લાના 23 હજાર ખેડૂતો માટે 245 કરોડ, કરજણ જળાશય માટે 220 કરોડ, કડાણા જળાશય માટે 380 કરોડની ફાળવણી કરી છે.2020 સુધી નળ દ્વારા શુધ્ધ જળ
જળસંચય અભિયાન અને પાણી બચાવો અભિયાન માટે વોટર ગ્રીડ યોજના 'નલ સે જલ' યોજના હેઠળ 2020 સુધી તમામ વિસ્તારમાં નળ દ્વારા શુધ્ધ પીવાનું પાણી પહોંચાડાશે. જેના માટે રૂપિયા 20 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેના માટે હાલ 4500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તો કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7111 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ખેડૂતોને ઝીરો ટકાના દરે લોન મળે તે માટે વ્યાજ સહાય માટે 952 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે દરિયાકાંઠામાં 8 ડીસેલિનેશન પ્લાન્ટ સ્થપાશે. ગંદા પાણીને ટ્રીટ કરીને પુનઃઉપયોગ કરવા 300એમ.એલ.ડીના પ્રોજેકટની સ્થાપના કરવામાં આવશે. તેની સાથે-સાથે માઇક્રો ઈરીગેશનનો વ્યાપ વધારાશે. જેમાં 18 લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવાશે. જેનો 11.34 લાખ ખેડૂતોને લાભ થશે.કૃષિ, પશુ પાલન અને મત્સ્યોદ્યોગ
અંદાજપત્રમાં ખેડૂત યોજનાના અમલ માટે 2,771 નવી જગ્યાઓ ભરવામાં આવશે. જે અંતર્ગત આ વર્ષે 1121 જગ્યાઓ ભરાશે. ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકાના દરે પાક ધિરાણ માટે ખેડૂત વ્યાજ સહાય આપવા રૂ.952 કરોડની જોગવાઇ કરી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 18 લાખ ખેડૂતોને આવરી લેવાશે. જેના માટે 1073 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે 299 કરોડ, ફાર્મ મિકેનાઇઝેશન માટે 235 કરોડ, ફૂડ પ્રોસેસિંગ માટે 34 કરોડની ફાળવણી કરાશે. રાસાયણિક ખાતર માટે 25 કરોડ, સેટેલાઇટ ઇમેજ ડ્રોન ફોટોગ્રાફી માટે 25 કરોડ, બાગાયત વિકાસ માટે સેન્ટર ઓફ એકસેલન્સ માટે 8 કરોડ, 4000 ડેરી ફાર્મ સ્થાપવા 134 કરોડની જોગવાઇ, 460 ફરતા પશુ દવાખાના માટે 47 કરોડ, મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે 28 કરોડની જોગવાઈ કરી છે.ડેરી વિકાસ- પશુપાલન
જ્યારે ડેરી વિકાસ અને પશુ પાલકોને સાધન સહાય માટે 36 કરોડ, ગૌ સેવા વિકાસ માટે 38 કરોડ, સહકાર કિસાન કલ્પવૃક્ષ યોજના માટે 33 કરોડ, ગોડાઉન બાંધકામ માટે 11 કરોડની ફાળવણી કરી છે. તો આ સિવાય મત્સ્યોદ્યોગના વિકાસ માટે માંગરોળ, નવાબંદર, વેરાવળ, માઢવાડ, પોરબંદર, સૂત્રાપાડા મત્સ્ય બંદર વિકાસ માટે 210 કરોડ, ફીશિંગ બોટ ડીઝલ વપરાશ માટે વેટ સહાય આપવા 150 કરોડ અને કેરોસિન સહાય માટે 18 કરોડની જોગવાઈ કરી છે.સી-પ્લેન શરૂ કરવા 5 કરોડના ખર્ચે વોટર એરોડ્રામ
હાલ રાજ્યમાં 12 એરપોર્ટ અને 5 એરસ્ટ્રીપ કાર્યરત છે. સરદાર સરોવર, શેત્રુંજય ડેમ, સાબરમતી રિવરફ્રન્ટ પર વિમાન ઉતરાણ શરૂ કરવા માટે રૂ.5 કરોડના ખર્ચે વોટર એરોડ્રામ બનાવશે. જ્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના એરિયલ વ્યૂ માટે રૂ.1 કરોડની જોગવાઈ કરી છે. રાજ્યમાં સી-પ્લેન શરૂ કરવા 5 કરોડના ખર્ચે વોટર એરોડ્રામ બનાવવામાં આવશે.વ્હાલી દીકરી યોજના હેઠળ 4000ની સહાય
'વહાલી દીકરી યોજના'માં 2 લાખની આવક ધરાવતા પરિવારોને સહાય આપવા દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4000ની સહાય આપવામાં આવશે. જ્યારે 9માં ધોરણમાં આવે ત્યારે 6000ની સહાય અપાશે. તેમજ 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે 1 લાખની સહાય અપાશે. આ યોજનામાં કુલ 133 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.આગામી 3 વર્ષમાં રોજગારની જોગવાઈ
આ ઉપરાંત આગામી 3 વર્ષમાં નવા 60 હજાર કર્મચારીઓની ભરતી કરાશે. નવા 70 હજાર સખી મંડળો બનાવી 700 કરોડનું ધિરાણ અપાશે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના સહિત વિવિધ રોજગાર યોજનાઓનો 15 લાખ યુવાનોને લાભ અપાશે. જ્યારે આગામી 3 વર્ષમાં મુદ્રા યોજના હેઠળ 50 લાખ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. આ સાથે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી 15 લાખ યુવાઓને રોજગારી મળે તે માટે 31,877 કરોડની લોન અપાશે. જેટલા ખેડૂતોએ ખેતીવાડી વીજ જોડાણ માટે અરજી કરી છે તેમાંથી 1,25,000 ખેડૂતોને અષાઢી બીજ એટલે કે 4 જુલાઈના દિવસે વીજ જોડાણ આપી દેવાશે.નવી સોલાર રૂફટોપ યોજના
3 કિલોવોટનો પ્લાન્ટ બેસાડનાર પરિવારને 40 ટકા સબસિડી, 3 થી 10 ટકા માટે 20 ટકા સબસિડી માટે રૂ.1000 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેનો 2 લાખ પરિવારોને લાભ મળશે. આ સિવાય ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને શુધ્ધ કરી તે પાણી ઉંડા દરિયામાં નિકાલ માટે પીપીપી ધોરણે પાઇપ લાઇન માટે રૂ.2,275 કરોડ ખર્ચાશે. જેના માટે આ વર્ષે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.આદિજાતિ વિકાસ માટે 24981 કરોડની જોગવાઈ
માહિતી અને પ્રસારણ માટે 174 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ કાયદા વિભાગ માટે 1653 કરોડની ફાળવણી, શિક્ષણ માટે 30045 કરોડની જોગવાઈ અને આદિજાતિ વિકાસ માટે 24981 કરોડની જોગવાઈ કરી છે. સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે દવા માટે 500 કરોડની અને સૌની યોજના માટે 1880 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યમાં નવી 434 કોર્ટ શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
