2030 સુધીમાં 80 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક હાંસલ કરવાની દિશામાં ગુજરાતની આગેકૂચ
Live TV
-
ગુજરાતે સ્વચ્છ અને હરિત ઊર્જાની મદદથી આગામી 2030 સુધીમાં 80 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જા મેળવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. આ પૈકી અત્યાર સુધીમાં 22.5 ગીગાવોટ ઉર્જા ઉત્પાદનનો લક્ષ્યાંક હાંસલ કરી લેવામાં આવ્યો છે. ગુજરાતે ચારણકામાં 700 મેગાવોટ ક્ષમતાવાળો ગુજરાત સોલાર પાર્ક, ભારતનો પ્રથમ કેનાલ-ટોપ સોલાર પાવર પ્રોજેક્ટ, અને મહેસાણા જિલ્લાના મોઢેરા ગામના દરેક ઘરને ચોવીસ કલાક સૌર ઊર્જા પ્રદાન કરવા માટે દેશનો પ્રથમ (BESS) પ્રોજેક્ટ હાથ ધર્યા છે. આ ઉપરાંત કચ્છ ખાતે 30 ગીગાવોટનો વિંડ-સોલાર હાયબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક પણ વિકસિત કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જમીન પર 180 ગીગાવોટની ઓનશોર વિંડ પાવર અને દરિયાકિનારા સહિત 30-35 ગીગાવોટ ઓફશોર પવનની સંભાવનાઓનો ઉપયોગ કરવા માટેની વ્યૂહરચના વિકસિત કરવામાં ગુજરાત અગ્રેસર છે. ગુજરાત ઇલેક્ટ્રિક વાહનો (EVs) ના ઉપયોગમાં પણ ઝડપ લાવી રહ્યું છે. 2025 સુધીમાં 2 લાખ EVs ના લક્ષ્યાંકની સામે 60 હજાર ઇલેક્ટ્રીક વાહનોની નોંધણી થઇ છે. ગુજરાત પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે ઉત્પાદન, સેવાઓ અને માળખાકીય વિકાસ સહિત વિવિધ પ્રકારની રોકાણની તકો પ્રદાન કરે છે. તથા ગુજરાત રિન્યુએબલ એનર્જી પાર્કના વિકાસ, EPC કોન્ટ્રાક્ટ અને ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કની સ્થાપના માટેની સંભાવનાઓ ધરાવે છે.
