21 સપ્ટેમ્બર પછી પણ રાજ્યમાં શાળાઓ ખૂલશે નહીંઃ શિક્ષણ મંત્રી
Live TV
-
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ વિદ્યાર્થી હિતલક્ષી મહત્વનો નિર્ણય
રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ રાજ્યની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસના માર્ગદર્શન માટે 21મી સપ્ટેમ્બર બાદ પણ શાળાએ જવાનું હિતાવહ રહેશે નહીં તેવું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.
શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટે અને નાગરિકોને ત્વરિત સારવાર મળી રહે તે માટે રાજ્યનું સમગ્ર વહિવટી તંત્ર ખભે ખભો મિલાવીને કામ કરી રહ્યું છે. રાજ્યના વિદ્યાર્થીઓને પણ સંક્રમિત થતા અટકાવવા માટે કેંદ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને આગામી ૨૧મી સપ્ટેમ્બરથી મરજિયાત ધોરણે શાળાએ માર્ગદર્શન માટે જવા માર્ગદર્શિકા જાહેર કરી છે ત્યારે ગુજરાત સરકારે પણે વિદ્યાર્થીઓના હિતમાં શાળાએ માર્ગદર્શન માટે ન જવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં શિક્ષણ વિભાગ દ્વારા ‘હોમ-લર્નીગ’ તથા ‘ઓનલાઈન’ શિક્ષણ કાર્ય જે ચાલુ છે તે યથાવત રહેશે.
આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ સંદર્ભે નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
