25 અને 26 નવેમ્બરે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
Live TV
-
હવામાન વિભાગે આગામી દિવસોમાં, રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. 25 અને 26 નવેમ્બરે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગના મતે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. જ્યારે 25 નવેમ્બરે દક્ષિણ ગુજરાત તેમજ દાહોદ, પંચમહાલ, ખેડા, અને આણંદ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદ સહિતના કેટલાક જિલ્લામાં વરસાદ થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારમાં આગામી બે દિવસ એટલે કે તારીખ 26 અને 27 નવેમ્બરે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કૃષિ હવામાન સેલ જૂનાગઢના જણાવ્યા મુજબ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, રાજકોટ, દ્વારકા, અને સુરેન્દ્રનગરમાં વરસાદ પડી શકે છે. હાલમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનો ચમકારો પણ વધી રહ્યો છે. 14.5 ડીગ્રી સેલ્સીયસ લધુતમ તાપમાન સાથે પાટનગર ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ હતું. જ્યારે નલિયામાં 15.4 ડીગ્રી સેલ્સીયસ, ડીસામાં 16.4 ડીગ્રી સેલ્સીયસ, અમદાવાદમાં 16.6 ડિગ્રી સેલ્સીયસ, અમરેલીમાં 17.2 ડીગ્રી સેલ્સીયસ, પોરબંદરમાં 17.6 ડીગ્રી સેલ્સીયસ, સુરેન્દ્રનગર અને વડોદરામાં 18.4 ડીગ્રી સેલ્સીયસ, રાજકોટમાં 19 ડીગ્રી સેલ્સીયસ, સુરતમાં 20.8 ડીગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું. તો વરસાદ બાદ રાજ્યમાં ઠંડી વધવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.